ઘરમાં વધારે શાક બની જવા બાબતે પતિએ ઠપકો આપતા, મનમાં લાગી આવતા પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી વિગતો મુજબ, બાબરામાં રહેતી એક મહિલાએ રસોઈ બનાવતી વખતે ભૂલથી જરૂરિયાત કરતા વધારે શાક બનાવી નાખ્યું હતું. આ બાબતે તેના પતિએ તેને ટોકી હતી અને રસોઈ બનાવવા બાબતે ઠપકો આપ્યો હતો. પતિ દ્વારા આપવામાં આવેલો ઠપકો પરિણીતાને ખૂબ જ ખરાબ લાગ્યો હતો. મનમાં ગ્લાનિ અનુભવતા અને લાગી આવતા, તેણે આવેશમાં આવીને ઘરે રહેલો ઘઉંમાં નાખવાનો ઝેરી દવાનો પાઉડર પી લીધો હતો. ઝેરી દવા પીધાના થોડા સમય બાદ મહિલાને ઉલ્ટી અને ઉબકા થવા લાગતા પરિવારજનોને જાણ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.










































