બાબરા શહેરની નવી નગરપાલિકા સેવા સદન કચેરીનું લોકાર્પણનું આગામી તારીખ ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે ૩ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. બાબરામાં બેંક ચોક ખાતે જૂની નગરપાલિકા કચેરી હતી હવે કે.પી. ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં નવી અને ભવ્ય નગરપાલિકા કચેરી બનાવવામાં આવી છે. આ નવી કચેરીનું લોકાર્પણ અમરેલીના યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવશે. નવી નગરપાલિકા કચેરીના લોકાર્પણ સાથે આ દિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવનિર્મિત નગરપાલિકા કચેરીનું લોકાર્પણ, મંત્રી કૌશિકભાઈ વેકરીયાનો સન્માન સમારંભ અને શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન સમારોહ યોજાશે. આ ત્રિવિધ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, બાબરા-લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહેશે.