અમરેલી જિલ્લાના બાબરા-ચમારડી હાઇવે પર જૂની અદાવતને લઈ એક પરિવાર પર હુમલો થયાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. દીકરીને લલચાવી-ફોસલાવી ભગાડી જવાના મામલે અગાઉ થયેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને આરોપીએ ધોકા વડે હુમલો કરી પરિવારને રસ્તામાં આંતર્યો હતો. આ અંગે બાબરાના વાવડી ગામે રહેતા દિનેશભાઇ ભીમજીભાઇ કોલડીયા (ઉ.વ.૪૫)એ તેમના જ ગામના કૃણાલ વિનુભાઇ કોચરા, કામીલ અશોકભાઇ દેવભડીંગજી તથા અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી જ્યારે અમદાવાદ ખાતે ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી હતી, ત્યારે આરોપી કૃણાલ તેને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. આ બાબતે ઓગસ્ટ-૨૦૨૫માં અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કાયદેસરની કાર્યવાહીનો ખાર રાખીને આરોપીઓ તેમના પરિવાર પર નજર રાખી રહ્યા હતા. તેઓ તેમના પત્ની અને દીકરી બાબરાથી વાવડી તરફ આવી રહ્યા હતા, ત્યારે બાબરા-ચમારડી હાઇવે પર આરોપીઓએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને તેમને અને તેમના પત્નીને ધોકા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. હુમલા દરમિયાન આરોપીઓએ અત્યંત ઉદ્ધત વર્તન કરી તેમની દીકરીને ફરીથી ‘ઉપાડી જવાની’ ધમકી આપી હતી. એટલું જ નહીં, જો તેઓ આ મામલે પાછળ નહીં હટે તો તેમના પુત્રને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ વાય.આર.ડેર વધુ તપાસ કરી રહ્યા છે.