બાબરામાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે બીજું સેન્ટર ફાળવવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. બાબરા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીને ખરીદી માટેની મંજૂરી મળતા આજથી અમરેલી રોડ પર આવેલા અમીધારા જિન ખાતે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. અગાઉ બાબરા માર્કેટિંગ યાર્ડમાં દેવભૂમિ મંડળી પાસે એકમાત્ર ખરીદી સેન્ટર હતું, જ્યાં મોટા પ્રમાણમાં રજિસ્ટ્રેશન હોવાને કારણે ખરીદી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલતી હતી. આથી ખેડૂતો દ્વારા બીજું સેન્ટર ફાળવવાની માંગ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીને મંજૂરી આપતા આજે ખેડૂતોના હસ્તે ખરીદી શરૂ કરાઈ હતી.