બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય જનક તળાવીયાના અથાગ પ્રયાસોથી વાંડળીયા ગામે પીપળીયા પ્લોટ વિસ્તારને જોડતો રૂ.૧ કરોડના ખર્ચનો નવો પુલ મંજૂર કરવામાં આવ્યો છે. આ પુલના નિર્માણથી જનતાની વર્ષો જૂની માંગ પૂર્ણ થવા જઈ રહી છે, જેનાથી વાંડળીયા સહિત આસપાસના અનેક ગામોના લોકોને મોટા પ્રમાણમાં લાભ મળશે. આ માર્ગ પર વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર વારંવાર અટકી જતો હતો, જેના લીધે વિદ્યાર્થીઓ, ખેડૂતો, દૂધ ઉત્પાદકો તથા રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે નવા પુલના નિર્માણથી બારમાસી વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બનશે. ધારાસભ્ય જનક તળાવીયાએ આ તકે જણાવ્યું હતું કે, “ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મજબૂત રસ્તા અને પુલો અત્યંત આવશ્યક છે. જનતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ પુલ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા આનંદની લાગણી થાય છે.” તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં પણ બાબરા તાલુકાના દરેક ગામ સુધી વિકાસ પહોંચાડવા માટે તેઓ કાર્યરત રહેશે.










































