બાબરા તાલુકાના વાંકીયા ગામમાં ગામના સર્વાંગી વિકાસની દિશામાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યનો પ્રારંભ થયો હતો. ગામની પ્રગતિ, લોકસેવા અને પ્રશાસનને વધુ મજબૂત બનાવવા માટે થનારા નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે વિધિવત્ રીતે પૂર્ણ થયું હતું.વાંકીયા ગામે વર્ષોથી એક સુવિધાસભર, આધુનિક અને સુવ્યવસ્થિત પંચાયત ભવનની જરૂરિયાત અનુભવાઈ રહી હતી. નવું પંચાયત ભવન બનવાથી— ગ્રામ પંચાયતની તમામ કામગીરી વધુ કાર્યક્ષમ થશે, લોકો માટે સરકારી યોજનાઓ અને સેવા મેળવવામાં સુવિધા અને પારદર્શિતા વધશે, ગામના વિકાસ સંબંધિત બેઠક, આયોજન અને તાલીમ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે, ગામજનોને દૈનિક પ્રશાસન સંબંધિત કામગીરી માટે એક જ છત નીચે સુવિધા મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્બોધન કરતાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું કે રાજ્ય સરકાર અને તેઓ પોતે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ગામોની આત્માનિર્ભરતા અને સુશાસન મજબૂત બનાવવા માટે પંચાયત ભવનોનું નિર્માણ અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વાંકીયા ગામ માટે આગામી દિવસોમાં અન્ય વિકાસ કાર્યો પણ હાથ ધરવામાં આવશે જેથી ગામની સુવિધાઓમાં ગતિ મળે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી, ગામના સરપંચ, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































