બાબરા તાલુકાના નીલવડા-વાંકીયા માર્ગ પર વર્ષોથી અવરજવર સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય જનક તળાવીયાના સતત પ્રયત્નોના પરિણામે માઇનોર બ્રિજ માટે રૂ. ૨.૫૦ કરોડ મંજુર કરવામાં આવ્યાં છે. આ માર્ગ પર આવેલ નાળામાં વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થતો હતો. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે માઇનોર બ્રિજના નિર્માણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ખેતી ઉત્પાદનનો વહન થતો હોવાથી બ્રીજ બનતા ખેડૂતોને પાક બજારમાં પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે સાથે વેપાર-ધંધાને પણ ગતિ મળશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. ધારાસભ્ય જનક તળાવીયાએ વિસ્તારની સમસ્યાઓને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગમાં સતત રજૂઆત કરી હતી.





































