બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીવાપર અને ઇંગોરાળા ગામે વહીવટી સુવિધા વધારવા નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જીવાપર અને ઇંગોરાળા ગામે વર્ષોથી એક સુવિધાસભર, આધુનિક અને સુવ્યવસ્થિત પંચાયત ભવનની જરૂરિયાત વર્તાઈ રહી હતી. નવું પંચાયત ભવન બનવાથી ગ્રામ પંચાયતની કામગીરી વધુ કાર્યક્ષમ બનશે અને લોકોને સરકારી યોજનાઓ તેમજ સેવાઓ મેળવવામાં સરળતા અને પારદર્શિતા વધશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રી, બંને ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યને હર્ષભેર આવકાર્યું હતું અને ધારાસભ્યના સતત પ્રયત્નોની પ્રશંસા કરી હતી.









































