બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં આજે નવા પંચાયત ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે થયું હતું. ગામમાં વર્ષોથી એક સુવિધાસભર, આધુનિક અને સુવ્યવસ્થિત પંચાયત ભવનની જરૂરિયાત હતી. નવું ભવન બનવાથી ગ્રામ પંચાયતની તમામ કામગીરી વધુ કાર્યક્ષમ થશે, લોકો માટે સરકારી યોજનાઓ અને સેવા મેળવવામાં સુવિધા અને પારદર્શિતા વધશે, ગામના વિકાસ સંબંધિત બેઠક, આયોજન અને તાલીમ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે, ગ્રામજનોને દૈનિક પ્રશાસન સંબંધિત કામગીરી માટે એક જ છત નીચે સુવિધા મળશે. આ પ્રસંગે જનકભાઈ તળાવીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર અને તેઓ પોતે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યમાં ગામોની આત્મનિર્ભરતા અને સુશાસન મજબૂત બનાવવા માટે પંચાયત ભવનોનું નિર્માણ અત્યંત જરૂરી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા ભાજપના મહામંત્રી, ગામના સરપંચ, ગામના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.