સ્થાનિક બચત મંડળમાંથી લીધેલા પૈસાના વિવાદમાં
બાબરા તાલુકાના કલોરણા ગામેથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિક બચત મંડળમાંથી લીધેલા પૈસાના વિવાદમાં એક દંપતીએ ઝેરી દવા પી લેતા પતિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, કલોરણા ગામે રહેતા ભરતભાઇ શામજીભાઇ ડાભી (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, મૃતક સંજયભાઈ અને તેમના પત્ની પ્રભાબેને ગામના સ્થાનિક બચત મંડળમાંથી રૂપિયા ઉછીના લીધા હતા. આ ઉછીના લીધેલા નાણાંની બાબતે દંપતી વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. ગત રોજ આ જ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.પૈસાની ખેંચતાણ અને ઝઘડાથી કંટાળીને દંપતીએ આવેશમાં આવી જઈ ખેતરમાં જીરામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ બંનેની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન સંજયભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની પ્રભાબેનને વધુ સારવાર માટે જસદણની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.આર્થિક તંગી અને પારિવારિક કલેશમાં હસતા-રમતા પરિવારે આવું અંતમ પગલું ભરતા સમગ્ર કલોરણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જયદેવસિંહ ચંદુભાઇ સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.









































