અમદાવાદની બાપુનગર વિસ્તારમાં આવેલી ઇએસઆઇસી હોસ્પિટલ ફરી એક વખત બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે. દર્દીઓને આપવામાં આવતા ભોજન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
બાપુનગર સ્થિત ઇએસઆઇસી હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવેલી ખીચડીમાંથી જીવાત (ઇયળ) નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓમાં ભારે રોષ જાવા મળ્યો હતો. ભોજન જેવી મૂળભૂત સુવિધામાં આવી બેદરકારી સામે લોકોમાં નારાજગી ફેલાઈ છે.
હોસ્પિટલમાં દર્દીઓને સ્વચ્છ અને સુરક્ષિત ભોજન આપવાની જવાબદારી હોવા છતાં આવી ઘટના બનતાં અનેક સવાલો ઊભા થયા છે. દર્દીઓના આરોગ્ય સાથે સીધી રીતે જાડાયેલ મુદ્દામાં લાપરવાઈ સામે લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર ઇકબાલ શેખ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાને પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી છે. તેમણે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
હાલમાં આ મામલે હોસ્પિટલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. પરંતુ સ્થાનિક લોકો અને દર્દીઓના પરિવારજનો હવે યોગ્ય પગલાંની રાહ જાઈ રહ્યા છે. જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન થાય.