આનંદને શ્વેતા તાકી રહી. આનંદનો સુદૃઢ બાંધો, વાંકડિયા વાળ, પડછંદ સીનો, ગોરો વાન. આનંદના વ્યક્તિત્વથી તે આકર્ષાઈ ગઈ. એ ટગર ટગર આનંદ સામે તાકી જ રહી. કદાચ જિંદગીમાં આ એવો પહેલો બનાવ હતો કે કોઈ તેના દિલને ટચ કરી રહ્યું હતું. તેના લોહીમાં એક અજબ ખેંચાણ આવ્યું અને રોમેરોમ એક ઝણઝણાટી વ્યાપી ગઈ.
આનંદની સ્વપ્નિલ લાગતી ભાવુક આંખોના મહાસાગરમાં તે પોતે જાણે માછલી બનીને તરતી હતી. તેનું યુવાન હૃદય ઉર્મિઓથી છલકાઈ વળ્યું..કાશ! આવો કોઈ પુરુષ તેના જીવનમાં હોય.. તો??
આનંદે ચા પીને કપ-રકાબી ટિપોઈ પર મૂક્યા ત્યાં જ ચંદ્રકાન્તભાઈ આવી પહોંચ્યા. આનંદને જોઈને તેમના સ્વરમાં આવકારો અને ઉમળકો ઊભરાઈ આવ્યો. ‘આવો, આવો, આનંદભાઈ. ક્યારના રાહ જોતા હતા?’
‘બસ દસ-પંદર મિનિટ થઈ સાહેબ.’ કહેતો તે ઊભો થયો.
‘અરે બેસો, બેસો. હું અહીંયાં દેવરાજભાઈને ત્યાં ગયો હતો. એની દીકરીને આજ ચાંદલો કરવા આવવાના હતા એટલે ડાયરામાં બોલાવેલો.’
“હા, શ્વેતાબહેને મને કહ્યું.’
‘કાલે ‘ આવવું… આવવું ‘ કરતો હતો પછી રૂપાની સાથે વાડીએ ચાલ્યો ગયો.’
‘અરે સારું કર્યું. હું ઘણી વાર એમની વાડીએ જાઉં”
‘રાવજીભાઈ કેટલાય દિવસથી કહેતા હતા અને કાલે રવિવાર હતો. અમથુંય મારે કોઈ ખાસ કામ નહોતું. નીકળી ગયો.’
‘શું? પછી ક્યારે રજામાં નીકળો છો?’
‘આમ તો એ માટે જ આપને વાત કરવા આવ્યો છું. થયું કે છાપું વાંચતો આવું અને વાત કરતો આવું! હમણાં જ સુખરામ ટપાલ આપી ગયો. ઘરે યાદ કરે છે. પરમ દિવસે બળેવ છે એટલે થાય છે કે હવે કાલ નીકળું.’
‘‘ઊપડો તમતમારે, બપોરની લોકલમાં નીકળવું હોય તોય છૂટ છે!’
‘પણ કાલ શાળા ચાલુ છે એનું?’
‘એની ચિંતા ન કરશો. હું પોતે જ કહું છું પછી શું? તમારો વર્ગ સંભાળી લઈશ..’
“રિપોર્ટ મૂકતો જાઉં છું.’ કહી, રિપોર્ટ, એક ચોથિયા કાગળમાં લખીને ચંદ્રકાન્તભાઈને આપ્યો અને પછી ઊભો થયો. નોમને દિવસે લગભગ આવી જઈશ. કદાચ એક-બે દિવસ રોકાઉ તો અગિયારસને દિવસે તો પાક્કું જ.’
‘ચિંતા નહીં કરતા. રોકાજો.’
‘આભાર સાહેબ.’ કહી તેણે ડગલું ભર્યું કે શ્વેતા બોલી ઊઠી, ‘પપ્પા, હું જાઉં એમના ઘરે?’
‘જાને, પણ પછી તરત જ પાછી આવજે. તારી મમ્મી તો દેવરાજભાઈને ત્યાંથી મોડી આવશે. રસોઈ બાકી છે.’
‘હા પપ્પા, હું હમણાં જ આવી.’કહેતી તે આનંદની સાથે જ નીકળી.
બાદલગઢમાં શ્વેતા સાથે આવી રીતે બહાર નીકળવું યોગ્ય તો ન લાગ્યું, પણ પોતે કરેય શું? શ્વેતા સાવ અડોઅડ ચાલતી હતી અને આનંદ આઘો આઘો ખસતો હતો. પૂનમચંદ શેઠની દુકાન પાસે પહોંચ્યા ત્યારે અરજણ હજી ત્યાં જ બેઠો હતો. શ્વેતા અને આનંદ આમ ભરબજારે જોડાજોડ ચાલતા નીકળ્યા કે અરજણ દાંત ભીંસતાં બોલી ઊઠ્યો, ‘એક આ માસ્તરે હવે હદ કરી છે, કાકા.’
પૂનમચંદ હસ્યો, ‘હા અરજણિયા, એણે તો હવે ગામની શરમ મેલી દીધી છે. હે રામ, શો કળજગ આવ્યો છે?’અરજણિયા, તું કાંઈક કર્ય.’
પૂનમચંદે અરજણને બરાબરનું ઝેર પાયું અને ખુન્નસ અરજણની રગમાં દોડવા લાગ્યું. આનંદ નજીક આવ્યો કે અરજણ બકી ઊઠ્યો, ‘આ ટણપીનાને વગે કરવા મારે કાંઈક કારહો કરવો પડશે નહિતર તો આ આખું ગામ બગાડી મેલશે.’
‘કાંટે કાંટો ભાંગીશ ત્યારે જ મેળ પડશે અરજણિયા, કાંટો કાંટાથી જ ભાંગે. હાથે નહીં, પણ પગે કમાડ વાળ્ય, અરજણ ! પગે કમાડ વાળજે.’ પૂનમચંદે મોટેથી કહ્યું. જો કે આનંદ બન્નેનાં વેણ સાંભળી ગયો હતો. અરજણ પોતાની સામે કતરાઈને જ બોલ્યો હતો એટલે આનંદે ઊભા રહીને જ, મોઘમમાં કહી દીધું, ‘કાંટે કાંટા ભાંગવા જાવ છો તો ખરા પણ કાંટો પગમાં જ ન ભાંગી જાય એનું ધ્યાન રાખજો બેય પાછા, નહિતર પછી એની કપાસી થઈ જાય અને પછી એ કપાસી કઠે બહુ!! … તે તો બરાબર જાણો છોને? શું કહો છો શેઠિયા? કહેતો એ હસતો હસતો ચાલ્યો ગયો.
અરજણ સન્ન થઈ ગયો. પૂનમચંદ મૂંગો બની ગયો. એ અરજણ સામે તાકી રહ્યો. આનંદ અને શ્વેતા ઘરે પહોંચે ન પહોંચે એ પહેલાં તો એક છોકરો દોડતો દોડતો આવ્યો, ‘સાહેબ, સાહેબ તમને બોલાવે છે.’
‘ ક્યાં?’
‘સરપંચના ઘરે બોલાવે છે એમ કીધું છે.’
‘કોણ?’
‘કો’ક સાહેબની મોટર આવી છે.’
આનંદ વળતે પગલે સરપંચને ઘેર પહોંચ્યો ત્યારે એક સફેદ-બ્લૂ જીપ ઊભી હતી. ઓળખાતાં વાર ન લાગી. ડેપો મેનેજરની જીપ હતી.
બાદલગઢમાં આમ તો ચૂંટણી ટાણે આવી મોટરકારો આવતી. બાકી તો ગામલોકોએ મોટરકાર, કે જીપ ક્યારે જોઈ હોય? અત્યારે જીપ ઊભી હતી એટલે ગામ લોકો ટોળે વળીને જીપને જોતા ઊભા હતા!
આનંદ ભીડમાંથી જીપ પાસે પહોંચ્યો. જીપ ઓળખાઈ ગઈ. રાજ્ય પરિવહન નિગમ અક્ષરાંકન નીચે ‘ડેપો મેનેજર’નો હોદ્દો ટાંકેલો હતો. સરપંચના આંગણામાં એણે પગ મૂક્યો કે સરપંચે ઉત્સાહમાં આવી કહી દીધું, ‘લ્યો
આભાર – નિહારીકા રવિયા આ માસ્તરસાહેબ આવી ગયા.’
ડેપો મેનેજરે આનંદ પ્રતિ દૃષ્ટિ કરીને પૂછ્યું, ‘તમે તો નવા આવ્યા તે શિક્ષકને? તમારું નામ?’
‘આનંદ’
‘ ગામ?’
‘પ્રતાપપુર’
‘અહીંયાં કેટલો સમય થયો?’
‘બે મહિના.’
‘અરજી તમે કરી હતી?’
‘હા, સાહેબ.’
‘સરપંચે મને વાત કરી. એ અરજી તમે કરી હતી.’
‘હા, અરજી મેં જ કરી હતી. જે ગ્રામ પંચાયત બાદલગઢ દ્વારા કરી હતી અને એ ન કરી શકું?’
‘કરી શકાય અને ન પણ કરી શકાય.’
‘નામજોગ કદાચ ન કરી શકું. છતાં પણ હું ચાહેત તો વ્યક્તિગત રીતેય મારા નામજોગ અરજી કરેત, પણ ગ્રામ પંચાયત કે સરપંચના નામથી અરજી થાય એ મને વધારે વ્યાવહારિક લાગે છે. કારણ કે આ આખા ગામનો પ્રશ્ન છે.’
‘તમે મને વ્યક્તિગત અરજી કરેત? તમે આ ગામના નાગરિક છો?’
‘હું આ ગામમાં નોકરી કરું છું એટલે ગામના પ્રશ્નો એ મારા પોતાના પણ પ્રશ્નો છે. જરૂરિયાતો અને સગવડોની મારે પણ જરૂર છે જે અગવડ અને અભાવોનો સામનો ગામ કરે છે એમાં હું પણ આવી જાઉં છું. હું પણ એટલી જ અગવડોનો સામનો કરી રહ્યો છું.’
‘…પણ આ ગામ એટલું કલોગું છે કે જેને લીધે અહીં બસ આવી જ ન શકે.’
“આપ તો ડેપો મેનેજર છો. એ ડેપો નીચે જેટલાં ગામડાં આવે છે. એમાં બાદલગઢનોય સમાવેશ થઈ જાય છેને?’
‘ હા, જરૂર..’
‘તો પછી બાદલગઢ સિવાયના કોઈ ગામમાં એસટીની સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા ગામનું નામ બતાવશો?’
‘લગભગ જાય છે.’
‘તો પછી બાદલગઢનો શો દોષ?’
“ અગાઉ અહીંથી રજૂઆત જ થઈ નથી.’ અને મારા વંચાણમાં બાદલગઢ ગ્રામ પંચાયતની અરજી આવી જ નહોતી.’
આનંદે એક છોકરાને બૂમ પાડી બોલાવ્યો. તેની પાસે ચંદ્રકાન્તભાઈની અગાઉ કરેલી અરજીઓની ફાઈલ મંગાવી. ફાઈલને બદલે ચંદ્રકાન્તભાઈ જ આવી ગયા. આનંદે કહ્યું, સાહેબ, તમે એસટીમાં કેટલી વાર અરજી કરેલી?’
‘લગભગ પચ્ચીસ વાર.’
‘એ અરજીઓની પ્રત જોઈએ છે.’
‘હું લાવ્યો જ છું.’ કહી થેલીમાંથી કાઢવા ગયા કે ડેપો મેનેજર અટકાવતાં બોલ્યા, ‘એવી કોઈ જરૂર નથી. અમે તો મુદ્દાની વાત કરવા જ આવ્યા છીએ.’
‘ફરમાવો સાહેબ.’
‘બાદલગઢમાં એસટી આવે પણ એવો કોઈ રસ્તો સારો નથી. આ ચોમાસાનો ટાઈમ. બસ ખૂંપી જાય.’
‘પંચાયતના ડેપ્યુટી એન્જિનિયરને અમે લખ્યું હતું. તેઓ માપ લઈ ગયા છે. મેટલવાળો રોડ બનશે. એસ્ટિમેટ એ લોકોએ વડી કચેરીમાં મોકલી આપ્યા છે.’
‘એ ક્યારે થશે?’
‘લગભગ બે ‘ ક મહિના લાગી જાય.”
‘તો પછી બે’ ક મહિના પછી અમે જરૂર શટલ મૂકીશું.’
‘ ‘એમ નહીં સાહેબ, અમારે દસ દિવસમાં બસ જોઈએ છે..!’
‘એ શક્ય જ નથી. રસ્તો સારો નથી. બસ ખૂંપી જશે એની જવાબદારી….?’ ડેપો મેનેજરે આનંદ સામે દ્રષ્ટિ માંડી વેધક નજરે જોયું:’ બોલો, આ જવાબદારી કોણ લેશે?..’ અને પછી કટાક્ષપૂર્વક હસતા કહ્યુંઃ ‘તમે લેશો??’
(ક્રમશઃ)










































