બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ.એન. વિરાણી હાઈસ્કૂલ, બાઢડામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયો હતો. ઉજવણીની શરૂઆત સવારે ૭ઃ૧૫ કલાકે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કાઢવામાં આવેલી પ્રભાતફેરીથી થઈ હતી. વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને સમગ્ર ગામમાં દેશભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો અને જાગૃતિ લાવી હતી. ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના સ્થાપક અને સાવરકુંડલા-લીલીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમની સાથે ગામના આગેવાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ પ્રજ્ઞેશભાઈ ભટ્ટના વરદ હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. ધ્વજવંદન બાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક ભવ્ય
સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિના ગીતો, રાસ-ગરબા અને મેદાની રમતોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.