રાજુલા તાલુકાના બર્બટાણા ગામને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. PGVCL ના રાજુલા ડિવિઝન કે સબડિવિઝન હેઠળ સામેલ કરવા અંગે બર્બટાણા ગ્રામ પંચાયત દ્વારા જોરદાર રજૂઆત કરવામાં આવી છે. આ અંગે ગ્રામ પંચાયતે રાજકોટ સ્થિત PGVCL ના મુખ્ય ઈજનેરને લેખિત પત્ર પાઠવી વિનંતી કરી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, બર્બટાણા ગામનું તાલુકા મથક રાજુલા હોવાથી ગામની મુખ્ય વહીવટી કામગીરી અને દૈનિક વ્યવહાર રાજુલા સાથે જોડાયેલો છે. હાલ ગામને જે સબડિવિઝનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ત્યાં જવા માટે અંતર વધારે છે અને ડાયરેક્ટ બસ કે ટ્રેનની સુવિધા પણ નથી. જેના કારણે ગ્રામજનોને લાઈટ બિલ, મીટર રીડિંગ, નવા વીજ જોડાણ કે નામ ફેરફાર જેવી કામગીરી માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેમજ સમય અને ખર્ચનો વ્યય થાય છે. બીજી તરફ, રાજુલાથી બર્બટાણા સુધી પૂરતી બસ અને માર્ગ સુવિધા ઉપલબ્ધ છે. આથી જો બર્બટાણા ગામને સાવરકુંડલા–વીજપડી સબડિવિઝન અથવા રાજુલા PGVCL હેઠળ સામેલ કરવામાં આવે તો ગ્રામજનો સરળતાથી વીજ સેવાઓ મેળવી શકે. ગ્રામ પંચાયતે આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી તાત્કાલિક યોગ્ય આદેશ કરવા માંગ કરી છે.

































