બનાસકાંઠાના લાખણીના જસરા ગામે બે દિવસ પહેલા એસએમસીના પીઆઇના માતા-પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી જેને લઈને હડકંપ મચી ગયો હતો. જોકે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ-અલગ ૮ જેટલી ટિમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનારા ૪ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળાજાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે.

લાખણી તાલુકાના જસરા ગામમાં એસએમસી પી આઈ એ.વી પટેલના માતા-પિતાની અત્યંત નિર્દયતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. હત્યારા પાડોશી પિતા પુત્રે કાળા જાદુથી ધન પ્રાપ્તિ માટે હત્યા કરી બ્લેક મેજિકથી લૂંટ કરેલા દાગીનાથી વધુ ધન મળશે એવી અંધશ્રદ્ધા રાખી દંપતીના મોઢા ચીરી પગ કાપી ૨.૫૦ લાખના દાગીનાની લૂંટ ચલાવી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે આ ગુનામાં પિતા પુત્ર ઉપરાંત અન્ય બે મળી ચાર જણાને દબોચી લીધા છે.

ઝડપાયેલા આરોપીઓમાં ૧- સુરેશભાઈ શામળાભાઈ પટેલ, (રહે. જસરા),૨- શામળાભાઈ રૂપાભાઈ પટેલ, (રહે. જસરા),૩- ઉમાભાઈ ચેલાજી પટેલ (રહે. રામપુરા, ડીસા),૪- દીલીપજી મફાજી ઠાકોર (રહે. રામપુરા, ડીસા)નો સમાવેશ થાય છે

રવિવારની રાત્રે વૃદ્ધ દંપતી વર્ધાજી મોતીજી પટેલ અને હોશીબેન વર્ધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા, ત્યારે રવિવાર રાતથી સોમવાર સવારના ૬ વાગ્યા વચ્ચે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારોથી બંનેની હત્યા કરી હતી. અને હોશીબેનના શરીર પરથી રૂ.૨.૫૦ લાખના દાગીના લૂંટી લેવામાં આવ્યા હતા. જાકે વહેલી સવારે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા આગથળા પોલીસને જાણ કરાતા એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘટનાને લઈને એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જાકે મૃતક દંપતિના પીઆઇ પુત્ર ઘરે પહોંચ્યા બાદ પોલીસે બન્નેના મૃતદેહોને પોસમોર્ટમ માટે ખસેડી હત્યારાઓને ઝડપી પાડવા અલગ-અલગ ૮ ટીમો બનાવી અનેક સીસીટીવી ફૂટેજ ચકાસી સ્થાનિક આજુબાજુના ખેતમજૂર અને સોલાર પાર્કના શ્રમિકો સહિત ૩૦૦થી વધુ લોકોની પુછપરછ કરી હતી.

ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ, ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સથી પણ તપાસ હાથ ધરી હતી. દરમિયાન તપાસમાં ખુલ્યું કે મૃતક દંપતીના પડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છૂટકારો મેળવવા કાળા જાદુનો સહારો લીધો હતો. અને સુરેશ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળીને હત્યા અને લૂંટનો કાવતરું રચ્યું હતું.અને દંપતિની હત્યા કરતી વખતે તેમની મરણ ચિસો સંભળાય નહી તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઇએ ખેતરમાં ટ્રેકટર ચાલુ રાખ્યું હતુ. જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃધ્ધ દંપતિની ઠંડા કલેજે હત્યા કરી હતી. હોશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓ તેમના બંને પગ કાપી નાખ્યા હતા.અને દાગીનાની લૂંટ કરીને ૪ આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વીફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.  આ વિશે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, જસરા ગામના વૃદ્ધ દંપતિની હત્યા બાદ પાડોશી હત્યારા પિતા પુત્ર ગામમાં જ રહીને બે દિવસથી નાટક કરતા હતા, તેમને મૃતકના ઘરે આવતા ગામલોકો અને સગા સંબંધીઓ માટે મૃતકના ઘરે ચા પાણીની વ્યવસ્થા કરી હતી, ૧૫ દિવસ પૂર્વે જ વૃદ્ધ દંપતીના દીકરીના લગ્ન થયા હતા, જેથી આરોપીઓને હતું કે દીકરો પોલીસમાં છે. ઘરમાં લગ્ન થયા છે. જેથી દર દાગીના પણ પડ્યા હશે. તેવી આશંકાએ ૧૦ થી ૧૫ દિવસ પૂર્વેજ લૂંટનો પ્લાન ઘડી દેવાયો હતો. અને સમય મળતા જ આરોપીઓએ દંપતિની ઘાતકી હત્યા કરીને લૂંટના દાગીનાથી કાળાજાદુ કરવાનો પ્લાન ઘડ્યો હતો. એસપીએ કહ્યું કે, મુખ્ય આરોપી ઉપર દેવું થયું હતું અને તે બ્લેકમેજિક કરતો હતો તેથી જ તેને હત્યા અને લૂંટને અન્ય લોકો સાથે મળીને અંજામ આપ્યો હતો.