છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બનાસકાંઠાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલું છે. બનાસકાંઠાના ધાનેરામાં ૪ ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સાબરકાંઠાના ઈડરમાં પોણા ચાર ઈંચ વરસાદ થતાં રસ્તા પર પાણી ભરાયા છે.
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૩૨ જિલ્લાના ૧૬૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઇઓસી, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, મહેસાણાના વિજાપુર તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને દાંતીવાડા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણાના વડનગરમાં દોઢ ઈંચ, તો ઊંઝા અને સતલાસણમાં વરસ્યો ૧-૧ ઈંચ વરસાદ પડ્યો છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં તાપી જિલ્લાના વલોદ, સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના મહુવા, સાબરકાંઠાના વડાલી અને ડાંગના સુબીર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ તેમજ તાપીના વ્યારા અને ડોલવણ, સાબરકાંઠાના હિંમતનગર તથા ખેડાના કઠલાલ અને કપડવંજ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઈંચથી વધુ, ૧૩ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે ૧૨૪ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, ૦૩ જુલાઇ, ૨૦૨૫ના રોજ સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.