(૧)સાહેબ, તમે ગણપતિનું સ્થાપન કરો છો?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા(નવા ઉજળા)
ગામ ગણપતિ બેસાડે. આપણે દર્શન કરીએ.
(૨) ગણપતિજીને લાડુ કેમ પ્રિય છે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આપણને લાડુ ખાવાની પ્રેરણા મળે એ માટે ભગવાન લાડુને સાથે રાખે છે પણ દુર્ભાગ્યે આપણે એને તહેવાર અને પ્રસંગમાં ખાવાની વસ્તુ બનાવી દીધી છે. અને બર્ગર પિત્ઝા પાછળ દોટ મૂકી છે.
(૩)અમે વિચાર્યું હોય એના કરતાં અલગ જ તમારો જવાબ હોય છે એનું કારણ ?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
કેમ કે તમે વિચારો છો અને હું વિચાર્યા વિના જવાબ આપી દઉં છું.
(૪)કીટલીને ભલે રોજ કામ કરવું પડે; પરંતુ, મોટા પ્રસંગો તો કીટલાઓ જ પાર પાડે છે. શું કહો છો?
કનુભાઈ પરમાર (દામનગર)
કીટલાઓ કામ કરે એમાં પણ કીટલીઓની પ્રેરણા કામ કરી હોય છે એવું મોટાભાગના કીટલાઓ અંદરખાને સ્વીકારે છે.
(૫)માણસ ઉપર ગ્રહણ ક્યારે લાગે ?
નિતુલ દિનેશભાઈ ડાભી (બાબરા)
દૂરાગ્રહ વધે ત્યારે.
(૬) સાહેબ..! સવાલ પુછવા માટેની યાદી મંગાવવી છે. ક્યાંથી મળશે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
ભારત આવો ત્યારે સરનામું આપીશ. કેનેડામાં અમારી કોઈ શાખા નથી.
(૭) સવાલ પુછવા માટેની સૌથી અસરકારક રીત કઈ? ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
સવાલને જાતે આવવા દેવો. ઊભો ન કરવો.
(૮)સાહેબ..! ગ્રહણમાં પ્રશ્ન પુછાય..?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આ સવાલનો જવાબ ગ્રહણ પૂરું થાય પછી આપું.
(૯)હિન્દુ ધર્મના થોડાક દેવદેવીઓના નામ આપશોજી.
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
હું તમને ક્યાં એંગલથી સ્વામી પ્રકાશાનંદ લાગ્યો?!
(૧૦)તમને હવે એવું નથી લાગતું કે તમારે હવે અમને પ્રશ્ન પુછવા જોઈએ?
નિકુંજભાઈ કરપડા ( જસદણ)
હજી તો નથી લાગતું.
(૧૧)યોગી થવું સારું કે ઉપયોગી થવું સારું?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
અત્યારે જે છો એ જ રહેવું સારું.
(૧૨)બજારમાં ધીરજના ફળ ક્યાં મળે છે?
ડાહ્યાભાઈ આદ્ગોજા. (લિલિયા મોટા)
ધીરજ રાખશો તો ફળ લેવા બજારમાં નહી જાવું પડે. ધીરજ ખુદ તમારા ઘેર આવી ફળ આપી જશે.
(૧૩)હેડકી કેમ આવતી હશે?
કટારીયા આશા હિમ્મતભાઇ (કીડી)
માથાના દુઃખાવાને અંગ્રેજીમાં હેડેક કહે છે. કોઈ માથાનો દુઃખાવો યાદ કરતો હોય એટલે હેડકી આવે.
(૧૪)સગપણમાં સાઢુ એમ કેમ કહેવાતું હશે?
નીરવ ડણાક (અમરેલી)
એને બિચારાને રાજી રાખવા.
(૧પ)મારા પુસ્તકાલયમાં એક સો પુસ્તકો છે, બોલો!
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
આટલા પુસ્તકો જ મારી લાઇબ્રેરીમાંથી ચોરાઈ ગયા છે, બોલો!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..











































