મતદાર યાદીમાંથી ૧૧૩પ નામ કમીની અરજીથી રાજકિય ખળભળાટ, કોના ઈશારે નામ કમી થયા? તપાસની માંગ
મામલતદારનો અરજદારોને નિરસ જવાબ, અરજદારોની માંગ જવાબદારો સામે પગલા ભરો
બગસરા તાલુકાની મતદાર યાદી માંથી ૧૧૩૫ નામ કમી કરવા માટે ખોટી અરજીઓ કરવાની થયેલ ફરિયાદને પગલે આજે બગસરા મામલતદાર કચેરી ખાતે અરજદારો પોતે આવી કોઈ અરજીઓ કરેલ નથી તેવા નિવેદનો સાથે આવ્યા હતા અને મામલતદાર પાસે ખોટી અરજીઓ કરનાર સામે પગલાં લેવા માંગણી કરેલ છે. બગસરા તાલુકામાં રાજકીય દ્વેષ ભાવનાના ભાગરૂપે અમુક રાજકીય પદાધિકારીઓ દ્વારા ખોટી રીતે ચૂંટણી કાર્ડ મંગાવી તેમનો દુરુપયોગ કરી મતદાર યાદી માંથી ૧૧૩૫ નામ કમી કરવા માટે અરજીઓ કરેલ હતી, જે આગેવાનોના ધ્યાને આવતા વાત વાયુ વેગે મતદારો સુધી પહોંચી ગઈ હતી. પોતાના નામની ખોટી અરજીઓ થયેલ હોય અરજદારો પણ મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા. તેમજ આવી ખોટી અરજી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર પાસે માગણી કરી હતી. જોકે આ બાબતે મામલતદાર દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુતર આપવાને બદલે અમે ખોટી અરજીઓ હશે તો તપાસ કરાવીશું તેવો નીરસ પ્રત્યુતર પાઠવ્યો હતો. ખોટી અરજીઓ કરી રાજકીય રીતે ખટરાગ ઉત્પન્ન કરવામાં ભાગ ભજવનાર તત્વોને ખુલ્લા પાડવામાં આવે તેવી કેતન રમેશભાઈ સાંગાણી, રમેશભાઈ રાદડિયા તેમજ કિશોરભાઈ માથાસુરીયા તેમજ અન્ય અરજદાર દ્વારા માંગણી કરેલ છે. અત્રે નોંધનીય છે કે મતદારોના નામ કમી કરવાની ઘટનાઓ સમગ્ર જિલ્લામાં બની રહી છે ત્યારે અચાનક જ ગ્રામ્ય પંથકના મતદારોની ખોટી અરજીઓ કરી તેઓના નામ રદ કરવા માટે કોનો દોરી સંચાર છે તે બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
શહેર-તાલુકા ભાજપ દ્વારા નામ કમી કરવામાં આવ્યા: રમેશ સતાસીયા
બગસરા તાલુકામાંથી ૧૧૩પ નામ કમી કરવા માટે આપ આગેવાન રમેશ સતાસીયાએ બગસરા શહેર-તાલુકા ભાજપના આગેવાનોનો હાથ હોવાનું જણાવ્યું છે. આ કાર્યવાહી તાલુકા ભાજપના કાર્યાલયમાં જ થઈ છે અને કઈ તારીખે થઈ છે તેના સીસીટીવી તપાસવાની પણ માંગ કરવામાં આવી છે.
નામ કમી બાબતે વાહિયાત આક્ષેપો: પ્રદિપ ભાખર
આ અંગે બગસરા તાલુકા પ્રમુખ પ્રદિપ ભાખરે જણાવ્યું હતું કે, કોઈ મતદારોના નામ કમી કરવામાં આવ્યા નથી. જા આ બાબતે ઓનલાઈન નામ તપાસવા હોય તો પણ ભાજપની તૈયારી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતી હોવાથી આપ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
શહેર ભાજપના આગેવાનોને બદનામ કરવાનું કાવતરૂ: ઘનશ્યામ સાદરાણી
આમ આદમી પાર્ટીના રમેશ સતાસીયાએ બગસરા તાલુકા અને શહેર ભાજપના આગેવાનો હોવાનો આક્ષેપ કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ લોકો પાસેથી ભાજપ આગેવાનો દ્વારા ચૂંટણીકાર્ડ લેવામાં આવ્યા નથી. આપ દ્વારા રાજકિય રોટલા શેકી ભાજપ આગેવાનોને બદનામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.








































