બગસરા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ચોરીના બનાવો વધી રહ્યા છે. આથી પોલીસના નબળા પેટ્રોલિંગ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બગસરા, માવજીંજવા, જામકા, હાલરીયા વિસ્તારોમાં રાત્રિના સમયે દુકાનોમાં ચોરીના બનાવો તેમજ બગસરા શહેરમાં સોના-ચાંદીના દાગીના તેમજ ઘરવખરીના સામાનની ચોરીની ઘટના છેલ્લા ઘણા દિવસોથી બની છે. પોલીસનું રાત્રી સમયમાં નબળું પેટ્રોલિંગ તેમજ હોમગાર્ડની ગ્રામ્ય પંથકમાં ઓછી સંખ્યાને કારણે આ બનાવ બનવા લાગ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસિયા, રમેશભાઈ સતાસિયા સહિતના આગેવાનોએ પોલીસને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારવા તેમજ લૂંટારુઓને પકડવા માટે કાર્યવાહી કરવા માંગ કરી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસની નબળી કામગીરીને પગલે શહેરમાં પાર્કિંગથી ટ્રાફિકની સમસ્યા, રાત્રિના સમયમાં જોરશોરથી વાગતા ડી.જે., સગીર બાળકો દ્વારા બેફામ ચલાવવામાં આવતા મોટર સાયકલ સહિતના અનેક પ્રશ્નોમાં પોલીસની નબળી કામગીરીને લીધે લોકો પણ ખુબ મુશ્કેલી અનુભવી રહ્યા છે.









































