બગસરા તાલુકાના નાના મુંજીયાસર નજીક કાર રોડની નીચે ઉતરી જતા એક પરિણીતાનું કરૂણ મોત નિપજ્યુ છે. જયારે કાર સવાર યુવક અને એક ત્રણ વર્ષીય બાળકનો બચાવ થયો છે. બગસરા તાલુકાના નાના મુંજીયાસરથી માણેકવાડા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જાણવા મળતી માહિતી મુજબ અમરેલીના ચક્કરગઢ દેવળીયા ગામની પરિણીતા હેતલબેન જીજ્ઞેશભાઈ જાદવ ઉ.વ.રપ મંગળવારના રોજ સાંજના સુમારે પોતાના સાસરેથી તેમના ભાઈ અને ત્રણ વર્ષીય પુત્ર સાથે પોતાના પીયર ભલગામ ગામે જતા હતા ત્યારે નાના મુંજીયાસર-માણેકવાડા રોડ પર એક કારે ઓવરટેક કરવાના ચક્કરમાં ટક્કર મારતા કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની નીચે ઉતરી ગઈ હતી. જેથી કાર સવાર હેતલબેનનુ માથામાં હેમરેજ થવાથી કરૂણ મોત થયુ હતુ. જયારે કાર સવાર યુવક અને બાળકનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને અકસ્માતનો ગૂનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.







































