બગસરા નગરપાલિકાના મહિલા પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયાને બદલે તેમના પતિ એ.વી. રીબડીયા દ્વારા તમામ વહીવટ કરવામાં આવતો હોવાની ફરિયાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે. આ મામલે ગંભીર નોંધ લેતા હાઈકોર્ટે નગરપાલિકા નિયામકને તાત્કાલિક તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલે આક્ષેપ કર્યો હતો કે, મહિલા પ્રમુખ પાલિકામાં ભાગ્યે જ હાજર રહે છે. તેમની ખુરશી પર બેસીને તેમના પતિ જ તમામ ફાઈલો પર સહીઓ કરે છે અને મીડિયા સમક્ષ પણ તેઓ જ પ્રતિનિધિત્વ કરે છે. પુરાવા તરીકે હાઈકોર્ટમાં ફોટોગ્રાફ્‌સ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પૂર્વ પ્રમુખ એ.વી. રીબડીયાએ આ આક્ષેપો નકારતા જણાવ્યું હતું કે તેઓ માત્ર બાજુની ખુરશીમાં બેસે છે અને પ્રમુખ પોતે શિક્ષિત હોવાથી વહીવટ સંભાળવા સક્ષમ છે.

મહિલા હોદ્દેદારો માત્ર ‘શોભાના ગાંઠિયા’?
ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહિલા પ્રમુખના બદલે પતિ દ્વારા કરાતા વહીવટની તપાસના આદેશ બાદ સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. લોકોની માંગ છે કે માત્ર બગસરા જ નહીં, પણ જ્યાં મહિલા હોદ્દેદારોના નામે તેમના પતિઓ સત્તા ભોગવે છે તે તમામ જગ્યાએ તપાસ થવી જોઈએ.