બગસરા શહેર તથા તાલુકામાં મતદારયાદીમાંથી ખોટી રીતે મતદારોના નામ કમી કરવા માટે સુનિયોજિત ષડયંત્ર રચાયું હોવાની ગંભીર આશંકા ઊભી થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે જેમના નામે વાંધા અરજીઓ કરવામાં આવી છે, તેવા અરજદારો પોતે જ આ બાબતથી સંપૂર્ણ અજાણ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દો પ્રકાશમાં આવતા મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળેલ વિગતો મુજબ, ફોર્મ નંબર–૭ દ્વારા મતદારયાદીમાંથી અન્ય મતદારોના નામ કમી કરવા માટે બગસરા તાલુકામાં કુલ ૧૧૩૫ અરજીઓ કરવામાં આવી છે. આ અરજીઓમાં મોટાભાગે રાજકીય આગેવાનો, જુના કાર્યકરો તેમજ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંભવિત ઉમેદવાર તરીકે તૈયારી કરી રહેલા લોકોના નામોનો સમાવેશ થાય છે. બગસરા શહેરમાં અનેક મોટા વેપારીઓના નામ સામે પણ “ગેરહાજર” અથવા “સ્થળાંતર” દર્શાવી નામ કમી કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અરજદારોનો સંપર્ક કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, તેમણે ક્યારેય કોઈના નામ કમી કરવા અરજી કરી નથી. જેથી ચૂંટણીકાર્ડનો ખોટો ઉપયોગ કરી રાજકીય દ્વેષભાવથી આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાની શંકા વધુ ઘેરાઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે નામ કમી કરતા પહેલા અરજદારોની સંપૂર્ણ ચકાસણી અને સરકારી કર્મચારી દ્વારા સ્થળ પર ખરાઈ કરવી અત્યંત જરૂરી છે, નહીંતર અનેક સાચા મતદારો મતાધિકારથી વંચિત થવાની શક્યતા છે.

૧. મોટા મુંજીયાસરના કેતનભાઈ રમેશભાઈ સાંગાણીએ જણાવ્યું હતું કે, “મારા નામે નવ વ્યક્તિના નામ કમી કરવા અરજી થયાની માહિતી મળી છે. મેં આજદિન સુધી આવી કોઈ અરજી કરી નથી. આ અરજીઓ ક્યાંથી આવી તેની ગંભીર તપાસ થવી જોઈએ.”
ર. મતદારયાદીમાંથી સૌથી વધુ નામ કમી કરવા માટે મોટા મુંજીયાસરના એક દેવીપુજક પરિવારના નામે અરજીઓ આપવામાં આવી છે. આ અંગે કિશોરભાઈ માથાસુરિયાએ જણાવ્યું હતું કે, ભાજપના એક હોદ્દેદાર દ્વારા તેમના પરિવારના ચૂંટણીકાર્ડના ફોટા મંગાવવામાં આવ્યા હતા અને સહાય મળશે તેમ કહેવામાં આવ્યું હતું.