નગરપાલિકા ખાડા બૂરવામાં ઉણી ઉતરતા સામાજિક સંસ્થા મેદાને પડી, ચેમ્બરની કામગીરીને લોકોએ વખાણી
બગસરા શહેરમાં અનેક સ્થળોએ કોઈને કોઈ કારણસર સીસી રોડમાં ખાડાઓ પડી ગયા છે જેને કારણે શહેરીજનો ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તંત્ર દ્વારા આ ખાડાઓ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સામાજિક સંસ્થાએ આજે પોતાના સ્વખર્ચે એક ખાડાને પ્રતિકાત્મક રીપેર કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. બગસરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શ્રીફળ વધેરી પ્રમુખ તેમજ ચેમ્બરના કારોબારી સભ્યોએ હાજર રહી આજરોજ બગસરા મામલતદાર ઓફિસ પાસે પડેલ મસમોટા ખાડા બુરી ખાડા બુરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને પૂછવામાં આવેલ કે નગરપાલિકાની ચૂંટણીલક્ષી આ કામગીરી કરવામાં આવી રહી છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા આ પ્રજાલક્ષી કામગીરી છે અને જો કોઈ ચેમ્બરના નામે મત માંગવા આવે તો મત આપવા નહીં અને પ્રમુખે પોતે એ જાહેરાત કરી છે કે તે પોતે પણ ચૂંટણી લડવા નથી માંગતા આ ફક્ત પ્રજાલક્ષી કામગીરી કરવામાં આવી છે. પાલિકા રોડ બનાવી બેફામ ભ્રષ્ટાચાર આચરી રહી છે ત્યારે શહેરમાં પડેલા મસમોટા ખાડાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા તેવાં ખાડા બુરી લોકોને સવલત પુરી પાડવા સામાજિક સંસ્થા મેદાનમાં ઉતરી છે.







































