બગસરા એસટી ડેપોમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાનગી વાહનચાલકોના દબાણને કારણે તંત્ર અને મુસાફરો બંને પરેશાન હતા. ખાનગી વાહનો જાણે પોતાનો અડ્ડો હોય તેમ ડેપોની અંદર આવીને પેસેન્જરો ભરી જતા હતા, જેના કારણે એસટી નિગમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હતો, પરંતુ હાલના ડેપો મેનેજરે પોતાની કોઠાસૂઝથી આ જટિલ પ્રશ્નનો કાયમી નિકાલ લાવ્યો છે. જે ગેટ પરથી ખાનગી વાહનોનો અનધિકૃત પ્રવેશ થતો હતો, ત્યાં પતરા મારીને ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેનાથી ડેપોની આવકમાં વધારો થશે અને બિનજરૂરી માથાકૂટનો અંત આવ્યો છે. આ ઉપરાંત ડેપોમાં વર્ષોથી સફાઈનો ગંભીર પ્રશ્ન હતો. શૌચાલયોની અસહ્ય દુર્ગંધને કારણે મુસાફરોનું ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ હતું. ડેપો મેનેજર એક્શન મોડમાં આવતા હવે યુરિનલ અને આખો ડેપો પરિસર એકદમ સ્વચ્છ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની આ સકારાત્મક કામગીરીને પગલે સ્થાનિક ગ્રામજનો અને મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.