કોન્ટ્રાક્ટ પર કામ કરતા ડ્રાઈવરોને છુટ્ટા કરી દેવામાં આવતા
અમુક ડ્રાઈવરોને ફરજિયાત ડબલ નોકરી કરવી પડે તેવી સ્થિતિથી રોષનો માહોલ
બગસરા એસ.ટી.ડેપોમાં બસ બંધ રહેતી હોવાથી ભુતકાળમાં શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જા કે બસ બંધ રહેતી હોવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે. બગસરા ડેપોમાં કોન્ટ્રાકટર બેઝ પર નોકરી કરતા ડ્રાઈવરોને છુટ્ટા કરી નાખવામાં આવતા અધિકારીઓ માટે સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. બગસરા એસ.ટી.ડેપોમાં છેલ્લાં ઘણા સમયથી લોકલ રૂટ બંધ રહેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ બાબતે એસ.ટી.સુત્રોમાંથી મળતી માહિતી મુજબ કોન્ટ્રાકટ બેઝ પર નોકરી કરતા ડ્રાઈવરોને છુટ્ટા કરી દેવામાં આવતા ડ્રાઈવરોની સૌથી વધુ ઘટ જાવા મળી રહી છે. બગસરા ડેપોમાં ૩૦ જેટલા ડ્રાઈવરોની ઘટ હોવાથી અધિકારીઓ માટે સંચાલન કરવું મુશ્કેલ બન્યું છે. બસનું યોગ્ય સંચાલન થાય તે માટે ડ્રાઈવરોને ડબલ ડ્યુટી ફાળવી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. ડ્રાઈવરોને ડબલ ડ્યુટી આવતી હોવાથી બસ ઉપાડવામાં મોડુ થાય છે જેથી મુસાફરોના સમયનો વ્યય થાય છે. હાલ તો નવા ડ્રાઈવરોની ભરતી ક્યારે થશે તે નક્કી નથી. ડબલ ડયુટીથી ડ્રાઈવરોમાં પણ છાનેખૂણે રોષ ફેલાયો છે ત્યારે બગસરા ડેપોનું યોગ્ય સંચાલન થાય તે માટે અન્ય ડેપોમાંથી ડ્રાઈવરોને મુકવામાં આવે તેવી મુસાફર જનતામાંથી માંગ ઉઠવા પામી છે.