આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ હડીયલ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત સાથે આંદોલનની ચીમકી
બગસરા બસ સ્ટેન્ડ પર થોડા દિવસ પહેલા પૂરપરછ વિભાગમાં કોઈને નોકરી ફાળવેલ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ એસ.ટી.ના અધિકારી દ્વારા પોઈન્ટ પર નોકરી ફાળવવાનું જ ભૂલી ગયા હતા અને નોકરીનું ખાનુ ખાલી રાખવામાં આવ્યુ હતું. જેથી કોઈ કર્મચારી સવારે પાંચ વાગ્યે ટીસીની નોકરી માટે હાજર થયેલ નહોતા. બસ કયારે અને કેટલા વાગ્યે ઉપડશે તેનો જવાબ આપવા કોઈ હાજર ન હોવાથી મુસાફરોમાં દોડાદોડી થઈ પડી હતી. કચેરીમાં લાઈટ-પંખા ચાલુ રખાયા હતા પરંતુ ફોનને ઉપર મૂકી દેવામાં આવ્યો હતો. મુસાફરોને પડતી હાલાકીને ધ્યાને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલે જણાવ્યું કે એસ.ટી. ડેપોમાં અનેક પ્રશ્નો છે અને ડેપો મેનેજર ફોન પણ ઉપાડતા નથી. તેમણે અમદાવાદ સેન્ટ્રલ ઓફિસ દ્વારા તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. જો ડીસી તપાસ નહીં કરે તો ચેમ્બર ઓફ કોમર્સે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.