મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરૂદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય-સેનાની ઝવેરચંદ મેઘાણીની પુણ્યસ્મૃતિમાં એમના વડવાઓના વતન બગસરા (જિ. અમરેલી) ખાતે ૦૭થી ૧૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન પૂ. મોરારિબાપુના શ્રીમુખે માનસ મેઘાણી રામકથાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પધારવા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ નિમંત્રણ આપ્યું હતું. આ તકે કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષા મંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારી-બગસરા-ખાંભાના ધારાસભ્ય જે. વી. કાકડીયા તથા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ સંઘના ચેરમેન પરાગભાઈ ત્રિવેદીની કથામાં વિશેષ ઉપસ્થિતિ રહશે. ઝવેરચંદ મેઘાણીની ૭૯મી પુણ્યતિથિ અવસરે બગસરાની પીએમશ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી શાળા નંબર ૦૧ (તે સમયની મિડલ સ્કૂલ) તથા લાખાપાદર સ્થિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા તરીકે નામકરણ કરીને ત્યાં મેઘાણી-સ્મૃતિની સ્થાપના કરાશે. આ બન્ને ઐતિહાસિક શાળાઓમાં મનોરમ્ય મેઘાણી-પ્રતિમા, ૬ટ૩ટ૧ ફૂટના આકર્ષક કાચના કબાટમાં ઝવેરચંદ મેઘાણી કૃત ૧૦૦ જેટલાં પુસ્તકોનો મેઘાણી-સાહિત્ય કોર્નર તથા ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસને આલેખતી ૪.૫ ટ૩.૫ ફૂટની કાળા ગ્રેનાઈટની કલાત્મક મેઘાણી-તકતીની સ્થાપના કરાશે.