બગસરા નગરપાલિકામાં છેલ્લાં ૧પ દિવસથી હવે વહીવટદારનું શાસન આવ્યુ છે ત્યારે રામનવમીના પાવન પર્વ નિમિત્તે જ ગટર ઉભરાતા ગટરના ગંધાતા પાણી રસ્તા પર ફરી વળતા ભાવિકોમાં પાલિકાની કાર્યશૈલી સામે રોષ ફેલાયો છે. બગસરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતુ. રામનવમીના દિવસે શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી પરંતુ જયારે શોભાયાત્રા ગોંડલીયા ચોકમાં પહોંચી ત્યારે નગરપાલિકાની બેદરકારીને કારણે ગટરના પાણી ઉભરાઈને રસ્તા પર ફરી વળતા ભાવિકો ગટરના ગંધાતા પાણીમાં ચાલવા મજબુર બન્યા હતા. આ બાબતે સામાજિક સંસ્થાઓના આગેવાનો દ્વારા તાત્કાલિક ચીફ ઓફિસરને ફોન કરવામાં આવ્યો હતો જા કે ચીફ ઓફિસરે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહોતી. જેથી વહીવટદારને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી. સવારથી ગટરના ગંધાતા પાણી રસ્તા પર ફરી વળતા હોવા છતાં પાલિકા દ્વારા ગટર સાફ કરવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. સનાતનીઓના મતને કારણે ચૂંટણી જીતતા આગેવાનો પણ આ બાબતે વામળા પુરવાર થયા હતા. આમ, શોભાયાત્રા દરમિયાન જ ગટરના પાણી રસ્તા પર ફરી વળતા પાલિકાની કામગીરી સામે હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.