બસ સ્ટેશનથી પશુ દવાખાના સુધીનો રોડ તૂટતાં સ્થાનિકોમાં રોષ; જાગૃત નાગરિકની રજૂઆત છતાં પાલિકા તંત્ર બેદરકાર હોવાનો આક્ષેપ
બગસરામાં ભ્રષ્ટાચારની હદ વટાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં જ બસ સ્ટેશનથી પશુ દવાખાના સુધીનો રૂ.૨૯ લાખના ખર્ચે બનેલો સિમેન્ટ રોડ માત્ર દસ દિવસમાં જ બિસ્માર હાલતમાં આવી ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અમરેલીના આશિયાના કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો હતો. એક જાગૃત નાગરિકે આ મામલે ચીફ ઓફિસરને જાણ કરી હતી અને સ્થળની તપાસ કરવા વિનંતી કરી હતી, છતાં આજદિન સુધી કોઈ અધિકારીએ સ્થળ મુલાકાત લીધી નથી. આ સિમેન્ટ રોડ એટલો નબળો બન્યો છે કે, તેના પરથી માટી કાઢતાની સાથે જ રોડ પણ સાથે નીકળી ગયો હતો. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે પાલિકાના સત્તાધીશોને પોતાના ખિસ્સા ભરવામાં વધુ રસ છે અને તેમને કુદરતનો પણ ડર નથી. તેઓ ભ્રષ્ટાચારની હદ વટાવી ચૂક્યા છે. લોકોની માંગ છે કે આવા નબળા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર તેમજ સત્તાધીશો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ એક વર્ષમાં ખરાબ થયેલા રોડ સામે કાર્યવાહીની વાત કરી હતી, ત્યારે આ રોડ તો માત્ર દસ દિવસમાં જ તૂટી ગયો છે.