બગસરા શહેરમાં આવેલ દલિત સમાજની વાડીમાં થયેલ ગેરવહીવટ બાબતે સમાજના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરતા તેમને ધમકીઓ મળી હતી. આથી દલિત સમાજ દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવેલ છે અને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરેલ છે. મળેલ વિગતો મુજબ આ વાડીનો વહીવટ છેલ્લા ૨૦થી પણ વધુ વર્ષથી સોમાભાઈ ખીમસુરીયા તથા જેરામભાઈ બોરીચા કરે છે. આજ દિન સુધી સમાજની વાડીના વહીવટમાં થયેલ આવક જાવક બાબતે ક્યારેય હિસાબ રાખેલ નથી તેમ જ હિસાબ માગવામાં આવે તો ગલ્લા-તલ્લા કરે છે અથવા ઉદ્ધત વર્તન કરે છે. છેલ્લે એપ્રિલ ૨૦૨૫થી વાડીનો અલગથી વહીવટ કરીને વાડીની આવકમાંથી વાસણ તેમજ સમિયાણું વસાવવામાં આવ્યું હતું. પરંતુ વાડીના જુના હોદ્દેદારોને આ બાબતે તેમને પૂછવામાં આવતા તેમણે અમને કંઈ પૂછવું નહીં, પૂછશો તો ટાંટિયા ભાંગી નાખવામાં આવશે એવી ધમકી વિજયભાઈ ખીમશુરીયા, તુલસીભાઈ ખીમશુરીયા અને રવજીભાઈ ચુડાસમા અને બીજા ૨૦ જેટલાં આગેવાનોને આપી હતી. આથી સમાજના આગેવાનો દ્વારા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે અનુસંધાને પોલીસે તપાસ શરૂ કરી હતી.





































