ભરાઈના નામે ખેડૂતો પાસેથી રૂપિયા ૩૦૦૦થી ૫૦૦૦નો તોડ, ગુણીમાંથી ૨૦૦ ગ્રામ મગફળી કાઢી લેવાનું કૌભાંડ CCTVમાં કેદ, કોથળામાંથી મગફળી કાઢવાના CCTV ફૂટેજ વાયરલ
બગસરા તાલુકામાં જેતપુર રોડ પર શરૂ કરવામાં આવેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. મગફળીના કોથળામાંથી રાત્રિના સમયે મગફળી કાઢી લેવામાં આવતી હોવાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરી ખરીદી કેન્દ્ર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતો પાસેથી તોડ કરવામાં આવતો હોવાનો પણ દાવો કરાયો છે. બગસરા તાલુકામાં જેતપુર રોડ પર ટેકાના ભાવે મગફળી ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ કેન્દ્ર પર ખેડૂતો પાસેથી ભરાઈના નામે રૂપિયા ૫૦૦૦ જેવી રકમનો તોડ કરવામાં આવે છે. આ ઉપરાંત, કોથળામાંથી મગફળી બહાર કાઢી લેવામાં આવતી હોવાના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેના આધારે આ કેન્દ્ર પર કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ખરીદી કેન્દ્ર પર રોજના ૧૦૦ થી પણ વધુ ખેડૂતો પોતાની મગફળી વેચવા આવે છે. જો મગફળીમાં થોડી ઘણી ખામી હોય તો તેને રિજેક્ટ કરવાની ધમકી આપીને ભરાઈના નામે રૂપિયા ૩૦૦૦ થી લઈ ૫૦૦૦ પડાવી લેવામાં આવે છે. છેલ્લા દોઢ માસથી ચાલતા આ કેન્દ્રમાં અત્યાર સુધીમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનું અનુમાન છે. ભ્રષ્ટાચારની પદ્ધતિ અંગે વાત કરતા મનહર પટેલે જણાવ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીની ગુણીમાં ૩૫.૮૦૦ કિગ્રા મુજબ ભાવ ચૂકવાય છે, પરંતુ ખેડૂતો પાસેથી ૩૬ કિગ્રાની ભરતી કરાવવામાં આવે છે. ત્યારબાદ રાત્રિના સમયે ૨૦૦ ગ્રામ મગફળી કોથળામાંથી કાઢી લઈને તેનું અલગથી વેચાણ કરી ચોખ્ખો નફો કરવામાં આવે છે. આ કૌભાંડમાં અધિકારીઓની પણ મોટા પાયે સંડોવણી હોવાનો આક્ષેપ છે. આ ભ્રષ્ટાચાર અંગે અનેક ખેડૂતોએ ચૂંટાયેલા નેતાઓને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન આવતા અને નેતાઓ મૌન રહેતા આખરે ખેડૂતોએ વિરોધ પક્ષનો સહારો લીધો હતો. કોંગ્રેસ પ્રવક્તાએ માંગ કરી છે કે ખેડૂતો સાથે લૂંટ ચલાવતા અને ભ્રષ્ટાચાર ફેલાવતા આવા કેન્દ્રો તાત્કાલિક બંધ કરવા જોઈએ અને તટસ્થ તપાસ કરી જવાબદારોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ.
ખેડૂતોને બેવડો માર
આ કેન્દ્રમાં ચાલતી ગેરરીતિનો લાભ વેપારીઓ પણ ઉઠાવી રહ્યા છે. અનેક વેપારીઓ સસ્તામાં ખરીદેલી મગફળી બોલેરો ભરીને લાવે છે અને ભ્રષ્ટાચારની રકમ ચૂકવીને કોઈપણ ખેડૂતના નામે ઓનલાઈન કરી ટેકાના ભાવે વેચી રહ્યા છે. ખેડૂતોને અહીં બેવડો માર પડી રહ્યો છે; એક તરફ રિજેક્ટ કરવાની બીકે પૈસા આપવા પડે છે અને બીજી તરફ વજનમાં પણ લૂંટાય છે.








































