બગસરા માર્કેટિંગ યાર્ડમાં હાલ ઘઉંની મબલખ આવક અને ખરીદી ચાલી રહી છે, ત્યારે જગ્યાની તંગી હોવા છતાં ખેડૂત મંડળી દ્વારા તુવેરની ખરીદી યાર્ડના સંકુલમાં જ શરૂ રાખવા માટે દબાણ કરવામાં આવતા વિવાદ વકર્યો છે. યાર્ડ દ્વારા મંડળીને વૈકલ્પિક સ્થળે ખરીદી કરવા લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં, મંડળી દ્વારા યાર્ડમાં જ કામગીરી ચાલુ રખાઈ હતી. આ ગંભીર મુદ્દે બોલાવવામાં આવેલી સંકલન બેઠકમાં મંડળીના ચેરમેન ભાવનાબેન સતાસિયા અને યાર્ડના ચેરમેન કાંતિભાઈ વેકરીયા વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. મંડળીએ ચણાની ખરીદી પણ અહીં જ કરવાની મક્કમતા દર્શાવી છે, જ્યારે યાર્ડ વ્યવસ્થા જાળવવા મથે છે. બંને સંસ્થાઓ ખેડૂતોના હિત માટે કાર્યરત હોવા છતાં આ અંદરોઅંદરની લડાઈ અત્યારે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે.