બગસરા શહેરમાં ઉધાર માવો માંગવા જેવી સામાન્ય બાબતે દુકાનદારે ઉશ્કેરાઈ જઈ દંપતી પર લાકડી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. આ હુમલામાં દંપતીને ઈજાઓ પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મુકતાબેન જીતુભાઇ વાઘેલા (ઉ.વ.૩૦)એ મયુરભાઇ દિનેશભાઇ કુંભાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલાના પતિ આરોપીની દુકાને માવો લેવા ગયા હતા. ત્યાં તેમણે ઉધારમાં માવો માંગતા દુકાનદાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પતિને બેફામ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. પતિએ ઘરે જઈ પત્નીને આ અંગે વાત કરતા, પત્ની પોતાના પતિ સાથે દુકાનદારને ઠપકો આપવા માટે તેની દુકાને પહોંચી હતી. ઠપકો આપવા ગયેલી મહિલા પર આરોપીએ વધુ ઉશ્કેરાઈને લાકડી વડે હુમલો કર્યો હતો. આરોપીએ મહિલાના ડાબા પડખામાં અને ડાબા હાથના પંજા પર લાકડીના ફટકા માર્યા હતા. જ્યારે પતિ પોતાની પત્નીને બચાવવા વચ્ચે પડ્યો, ત્યારે આરોપીએ તેને પણ લાકડી ઝીંકી દઈ ડાબા હાથના પંજામાં ઈજા પહોંચાડી હતી.




































