સૌરાષ્ટ્રની શાન અને સંસ્કૃતિ ગણાતો બગસરાનો વિશ્વવિખ્યાત આરી ભરત ઉદ્યોગ હાલમાં ભયંકર મંદીના વમળમાં ફસાયો છે. એક સમયે જે શહેર આરી ભરતનું ‘હબ’ ગણાતું હતું, ત્યાં આજે આધુનિકીકરણ અને કોમ્પ્યુટર વર્કના વધતા પ્રભાવે પરંપરાગત કારીગરોની કમર તોડી નાખી છે. ભૂતકાળમાં બગસરામાં અંદાજે ૩૦૦૦ જેટલા કારખાના ધમધમતા હતા, જેમાં ૧૫,૦૦૦ જેટલા કારીગરો રાત-દિવસ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ હાલની વાસ્તવિકતા અત્યંત ચિંતાજનક છે. આજે શહેરમાં માત્ર ૫૦ જેટલા કારખાના જ કાર્યરત છે અને કારીગરોની સંખ્યા ઘટીને માંડ ૧૦૦૦ જેટલી રહી ગઈ છે. આ પરિવર્તનનું મુખ્ય કારણ કોમ્પ્યુટર દ્વારા થતું ભરતકામ અને કાચા માલની અછત છે. વેપારીઓને તૈયાર માલની પૂરતી લેવાલી ન મળતા તેઓ કારીગરોને કામ આપી શકતા નથી. કારીગરોની આર્થિક સ્થિતિ પર પણ આ મંદીની ગંભીર અસર પડી છે. જે કુશળ કારીગરો અગાઉ મહિનાના ૧૦ થી ૧૫ હજાર રૂપિયા કમાતા હતા, તેઓ આજે તનતોડ મહેનત કરવા છતાં માંડ ૫૦૦૦ રૂપિયા કમાઈ શકે છે. હાથ બનાવટની કળા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અને તેની જગ્યા મશીનોએ લઈ લીધી છે. આ વિકટ પરિસ્થિતિમાં, બગસરાના કારખાનેદારો અને કારીગરોએ સરકાર પાસે માંગ કરી છે કે હાથ બનાવટના (હેન્ડમેઈડ) કપડાંના ચલણને ફરી પ્રોત્સાહન આપવામાં આવે અને કોમ્પ્યુટર વર્ક પર નિયંત્રણો લાદવામાં આવે. જો સરકાર આ લુપ્ત થતી કળાને બચાવવા માટે પ્રોત્સાહન આપે, તો જ બગસરાના આરી ભરત ઉદ્યોગની ખોવાયેલી ચમક ફરી પાછી આવી શકે તેમ છે અને હજારો પરિવારોની આજીવિકા સુરક્ષિત થઈ શકે તેમ છે.