ભાજપ સાંસદ અને અભિનેત્રી હેમા માલિનીનો પશ્ચિમ બંગાળમાં ડાન્સ શો ફરીથી રદ કરવામાં આવ્યો છે, જેમાં સ્થાનિક વહીવટીતંત્રે સુરક્ષા કારણો દર્શાવ્યા છે. હેમા માલિની કહે છે કે આ પરિસ્થિતિ સુરક્ષા જાખમ ઊભું કરે છે અને આજીવિકા પર નકારાત્મક અસર કરે છે. તેમણે આ અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરતા, હેમા માલિનીએ જણાવ્યું હતું કે તેમના પત્રમાં તેમણે પશ્ચિમ બંગાળમાં કલાકારો અને સાંસ્કૃતિક હસ્તીઓ સાથેના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણીએ કહ્યું કે ત્યાંનું વાતાવરણ કલાકારો માટે અનુકૂળ નથી અને તે તેમના કામ અને રોજગાર પર અસર કરી રહ્યું છે.
પશ્ચિમ બંગાળમાં પોતાનો શો રદ થવાથી ગુસ્સે ભરાયેલા હેમા માલિનીએ કહ્યું, “પશ્ચિમ બંગાળને કલાની રાજધાની કહેવામાં આવતું હતું, પરંતુ હવે રાજકારણ ત્યાંની કલાને ઢાંકી દે છે. કોલકાતામાં મારો એક નૃત્ય કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ ૧૦ દિવસ પહેલા મને કહેવામાં આવ્યું કે શો રદ કરવામાં આવ્યો છે. એક સ્થાનિક ઉદ્યોગપતિએ વૈકલ્પિક સ્થળની વ્યવસ્થા કરી હતી, પરંતુ ત્યાં પણ મારો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૮-૯ વર્ષથી મારી સાથે આવું થઈ રહ્યું છે. દર વખતે જ્યારે મને કહેવામાં આવે છે કે સરકાર સુરક્ષા પૂરી પાડી શકશે નહીં. મારો કાર્યક્રમ બિન-રાજકીય છે. હું સાંસદ છું, છતાં મને સુરક્ષા પૂરી પાડવામાં આવી નથી. એવું લાગે છે કે પશ્ચિમ બંગાળમાં સાંસ્કૃતિક કટોકટી છે. પશ્ચિમ બંગાળમાં સંસ્કૃતિને દબાવવામાં આવી રહી છે.”
હેમા માલિનીએ જણાવ્યું, “મેં માનનીય સ્પીકરને પત્ર લખીને પશ્ચિમ બંગાળમાં સાંસ્કૃતિક ફાસીવાદની સ્થિતિ અને તે સાંસ્કૃતિક જગતના ઘણા લોકોને કેવી રીતે અસર કરી રહ્યું છે તે અંગે પ્રકાશ પાડ્યો છે. તે માત્ર સુરક્ષા માટે ખતરો નથી પણ આજીવિકા પર પણ નકારાત્મક અસર કરે છે.” તેમણે ઉમેર્યું કે આ પરિસ્થિતિ ફક્ત સાંસ્કૃતિક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી, પરંતુ સુરક્ષાનો મુદ્દો પણ બની રહી છે. તેમના મતે, જ્યારે કલાકારો ખુલ્લેઆમ પોતાને વ્યક્ત કરી શકતા નથી અથવા તેમનું કાર્ય પ્રદર્શિત કરી શકતા નથી, ત્યારે તે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. સાંસ્કૃતિક ફાસીવાદ શબ્દ સામાન્ય રીતે કોઈ ચોક્કસ વિચારધારા હેઠળ સંસ્કૃતિ, કલા, મીડિયા અને શિક્ષણના નિયંત્રણ અથવા પ્રભાવનો ઉલ્લેખ કરે છે.
જાકે, જ્યારે મીડિયાએ તેમને આ પત્ર પાછળનું કારણ પૂછ્યું, ત્યારે તેઓ ચૂપ રહ્યા. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેમના અંગત અનુભવે તેમને આ પગલું ભરવાની ફરજ પાડી. તેમણે કહ્યું, “મને સમજાતું નથી કે કલાકારો સાથે આ રીતે કેમ વર્તન કરવામાં આવી રહ્યું છે. મને આ વાતનો ખૂબ જ દુઃખ છે.”










































