નવરાત્રિમાં વરસાદ પડ્યા પછી વાતાવરણમાં ભેજ અને ઠંડક પ્રસરી ગઈ છે. દશેરાને આડે માત્ર એક જ દિવસ બચ્યો છે અને હવામાનની સીધી અસર અમદાવાદમાં ફાફડા-જલેબીના વેપાર પર જોવા મળી રહી છે. સાથે જ ઘરાકી પણ ઘટે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
અમદાવાદમાં વરસાદને લીધે એક તરફ ઠંડક અને ભેજવાળું વાતાવરણ થઈ ગયું છે ત્યાં બીજી તરફ શહેરમાં ફાફડા-જલેબીના વેચાણ પર તેની સીધી અસર થઈ છે. ગુજરાતીઓ માટે ખાસ કરીને દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવા એ એક પરંપરા છે. પરંતુ આ વખતે અચાનક વરસેલા વરસાદે ફાફડા-જલેબીના વિક્રેતાઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. વાતાવરણના ભેજને કારણે ફાફડા નરમ થઈ ગયા, જેને લીધે વિક્રેતાઓ ફાફડાનો મોટા પ્રમાણમાં સ્ટોક રાખી શકતા નથી.
ફાફડા-જલેબી વિક્રેતાઓનું કહેવું છે કે વરસાદના કારણે વેપારીઓએ સ્ટોક ઓછો કર્યો છે. ફાફડાને હવા લાગતા નરમ થઈ જતા હોવાથી સ્ટોક નહીં કરાય. જયારે વરસાદને કારણે ઘરાકીમાં પણ મંદી જોવા મળે તેવી સંભાવના છે. વરસાદના કારણે ફાફડા નરમ થવાના કારણે વિક્રેતાઓ મોટા સ્ટોકમાં માલ તૈયાર કરતા હતા તે હવે ઘટાડી દીધો છે. સાથે જ વરસાદને કારણે ઘરાકી પર પણ અસર જોવા મળી શકે છે. શહેરના ઘણા વિસ્તારોમાં લોકો દશેરાની સવારે ફાફડા-જલેબી ખાય છે. દશેરાના દિવસે વહેલી સવારે દુકાનો અને લારીઓએ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી જાય છે. પરંતુ આ વર્ષે વરસાદના કારણે ઘણા વેપારીઓએ ઓછી માત્રામાં જ ફાફડા-જલેબી તૈયાર કરી રહ્યા છે. આ સિવાય એવું પણ સામે આવ્યું છે કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ૩૦ થી ૫૦ રૂપિયાનો વધારો થયો છે.
શહેરના નહેરુ નગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી ગાંઠિયા રથના અલ્પેશ ટાંકે દશેરાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ અંગે જણાવ્યું, “હાલમાં વરસાદની આગાહીને કારણે અમે કોઈ પૂર્વ તૈયારી નથી કરી. અમે લાઇવ તાવડા રાખીશું, હજુ સુધી કોઈ પૂર્વ તૈયારી નથી કરી. ખરાબ વાતાવરણ છે, વરસાદની આગાહી છે. વસ્તુની ક્વોલિટીમાં અમે કોઈ કોમ્પ્રોમાઇસ નથી કરતા, એટલે અમે કોઈ જ પૂર્વ તૈયારી નથી કરી. ભેજને કારણે ફાફડાને હવા લાગી જવાના ચાન્સ છે, એટલે કાલે લાઈવ તાવડા જ રાખીશું.”