સુરતના એક બિલ્ડરને આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો પૂનમ ભદોરિયા નામની મહિલા સામે નોંધાયો હતો. જેણે ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટ સમક્ષ કરેલી ક્વોશિંગ પિટિશન ફગાવી દેવામાં આવી છે. સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરીમાં આરોપી પૂનમ ભદોરીયા સામે સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીની પુત્રીએ પિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી.

આરોપી મહિલા પૂનમ ઉપર આક્ષેપ છે કે તે ફરિયાદીના પિતા તુષાર ઘેલાણીને સતત માનસિક રીતે હેરાન કરતી હતી. અવારનવાર બદનામ કરવાની ધમકીઓ પણ આપતી હતી. તેને મૃતક બિલ્ડર પાસેથી રૂપિયા અને મિલકતો પડાવી લેવાનું તરકટ રચ્યું હતું અને એ માટે તેને સતત હેરાન કરીને આપઘાતની દુષ્પ્રેરણા આપી હતી. છેવટે બિલ્ડરે પોતાની દીકરીના લગ્ન પહેલા જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસની તપાસ મદદનીશ પોલીસ કમિશનર કરી રહ્યા છે.

મૃતક તુષાર ઘેલાણી જ્યારે ભારે તણાવમાં આવી ગયા હતા, ત્યારબાદ તેઓ સતત નિરાશ અને હતાશ રહેવા લાગ્યા હતા. ત્યારે તેમની પુત્રીએ તેમને ધીરજપૂર્વક પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેમનાથી એક ભૂલ થઈ છે અને તેમને છેલ્લા કેટલાક વર્ષોથી પૂનમ ભદોરીયા સાથે લગ્નેતર સંબંધો છે. હવે તે તેઓને હેરાન કરી રહી છે અને આર્થિક અને માનસિક રીતે શોષણ કરી રહી છે. આરોપી મહિલા તેમને છોડવા તૈયાર નથી.

બિલ્ડરની એક સ્કૂલમાં પણ તેણે ૫૦% ની ભાગીદારી કરાર કરી લીધો છે. તે વારંવાર ફોન કરે છે અને તેને બદનામ કરી નાખવાની ધમકી આપે છે. આથી પુત્રીએ પૂનમ ભદોરીયાને મળવાનું નક્કી કરી તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પૂનમે ફરિયાદીના પિતાને બદનામ કરવાની અને તેઓની ૫૦% મિલકત પડાવી લેવાની પણ ધમકી આપી હતી.

બીજી તરફ દીકરીના લગ્ન નક્કી થયા હતા અને માંડવો બંધાયો હતો. તેવા જ સમયે બિલ્ડર તુષાર ઘેલાણીએ કંટાળીને લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. હોસ્પિટલમાં કેટલાક દિવસો બાદ તેમનું મૃત્યુ થયું હતું. આરોપી મહિલાએ બિલ્ડરને તેમના દીકરીના લગ્નમાં આવીને બબાલ કરવાની પણ ધમકી આપી હતી.