પશ્ચિમ રેલવે વિભાગના વડા જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ સાવરકુંડલા રેલવે સ્ટેશનની ખાસ મુલાકાત લીધી હતી. આ સમયે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તેમજ વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું સ્વાગત કરી રેલવે સંબંધિત વિવિધ રજૂઆતો કરી હતી. મુલાકાત દરમિયાન સિંહોના અવરજવર વિસ્તારને ધ્યાનમાં રાખી ટ્રેનોની સ્પીડ ઘટાડવા તથા વન વિભાગ સાથે સંકલન કરીને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ચર્ચા થઈ હતી. સિંહોને નુકસાન ન થાય તે માટે ફેન્સીંગ પણ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. શહેરમાં આવેલા બે રેલવે ફાટકોને કારણે સર્જાતી અવરજવર સમસ્યા અંગે ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી, જેમાં જનરલ મેનેજરે ટૂંક સમયમાં કામ શરૂ કરવાની ખાતરી આપી. ઉપરાંત ખાંદલા પાસેના ૯૫ નંબરના ફાટકની સમસ્યા અંગે પણ વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી અપાઈ હતી. આ પ્રસંગે રેલવે પ્લેટફોર્મ અને નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.