આપણે વારંવાર એક વાકય જરૂર સાંભળીએ છીએ કે, જમીનની ફળદ્રુપતા સતત ઘટી રહી છે. પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બનનું શું મહત્વ છે ? જમીનમાં સેન્દ્રીય કાર્બન જમીનનાં સારા સ્વાસ્થ્યનું એક મુખ્ય તત્વ છે અને આબોહવા પરિવર્તન, ખોરાક અને પોષણની અસુરક્ષાઓ અને અન્ય પરાવરણીય ચિંતાઓ સામે લડવા માટેનુંં એક નવુ શસ્ત્ર છે. પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારવામાં સેન્દ્રીય કાર્બનનું મુખ્ય યોગદાન હોય છે.
સેન્દ્રીય કાર્બન એ કાર્બન છે જે સજીવો દ્વારા ઉત્પાદિત કોઈપણ સામગ્રીના આંશિક વિઘટન પછી જમીનમાં રહે છે. તે જમીનના કાર્બનિક પદાર્થોનો મુખ્ય ઘટક છે. એવી ધારણા છે કે, તે જમીનમાં ઘણા કાર્યો અને ઈકોલોજીકલ ગુણધર્મો માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ સ્થાનિક ઈકોલોજી, આબોહવાની સ્થિતિ, જમીનનો ઉપયોગ અને વ્યવસ્થાપન પર આધાર રાખે છે. ઓર્ગેનિક કાર્બન મુખ્યત્વે ટોચની જમીનમાં વધારે હોય છે. જમીનમાં રહેલા કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં રહેલા કાર્બનની માત્રા કરતા બમણું હોય છે.
તમામ છોડ પોતાનું અસ્તીત્વ ટકાવી રાખવા અને વૃદ્ધિ પામવા માટે તેમના પર્ણ મારફત સૂર્યપ્રકાશ અને વાતાવરણમાંથી કાર્બન ડાયોકસાઈડ લઈને પોતાના માટે ખોરાક (સ્ટાર્ચ) ઉત્પન્ન કરે છે. જમીનમાં રહેલ સેન્દ્રીય કાર્બન ટકાઉ ખેતીનો આધાર છે. જમીનમાં ફળદ્રુપતા જાળવવામાં સેન્દ્રીય કાર્બનની મુખ્ય ભૂમિકા છે. સેન્દ્રીય કાર્બન જમીનમાં વાયુ, પાણીની જાળવણીની ક્ષમતા, ડ્રેનેજ અને સુક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિમાં સુધારો કરે છે. જેમ જેમ જમીનમાં સંગ્રહિત કાર્બન વધે છે તેમ તેમ લીચિંગ અને ધોવાણ દ્વારા પોષક તત્વોના નુકસાનનું જોખમ ઘટે છે. જયારે જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે ત્યારે તે વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટાડે છે. જે છોડના વિકાસ માટે વધુ સારી આબોહવાની સ્થિતી પુરી પાડે છે. જમીનમાં સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાથી વધુ સ્થિર કાર્બન ચક્રનું નિર્માણ થાય છે અને એકંદરે કૃષિ ઉત્પાદકતામાં વધારો થાય છે.
પ્રાકૃતિક કૃષિમાં સેન્દ્રીય કાર્બન વધારવાના ઉપાયોમાં જીવામૃત અને ઘન જીવામૃતનું યોગ્ય પ્રમાણમાં અને સમયસર ઉપયોગ કરવાથી સોઈલ સેન્દ્રીય કાર્બનમાં વધારો થાય છે. વધુ બાયોમાસ ધરાવતા પાકો ઉગાડવાથી પણ કાર્બનનો સંગ્રહ વધારવામાં મદદ કરે છે. જમીનમાં આચ્છાદનનો વધારે ઉપયોગ કરવાથી જમીનમાં સેન્દ્રીય કાર્બનમાં વધારો કરી શકાય છે. પાકની ફેરબદલી, સંકલિત ખેતી પદ્ધતિ, કૃષિ વનીકરણની પદ્ધતિઓ પણ સેન્દ્રીય કાર્બન વધારવામાં મદદરૂપ નિવડે છે.