લાઠી અને દુધાળા ખાતે આગામી ૨૮મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઇને વહિવટી તંત્ર દ્વારા આજે હેલીપેડ, રોડ કાર્પેટીંગ, વાહન પા‹કગ સભાખંડ સહિતની કામગીરીને લઇને સમીક્ષા કરાઇ હતી.દુધાળા નજીક ગાગડીયો નદી પર રાજય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે બનાવવામા આવેલ ભારત માતા સરોવરનુ પ્રધાનમંત્રી ઉદ્દઘાટન કરશે. અહી કલેકટર અજય દહીંયા, એસપી હિમકર સિંહ, પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ, ડીવાયએસપી ચિરાગ દેસાઇ તેમજ ધોળકીયા ફાઉન્ડેશનના પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયા, તુલસીભાઇ ધોળકીયા, નિતીનભાઇ સાવલીયા, કનકભાઇ પટેલ સહિતના આગેવાનોએ સમગ્ર આયોજનને લઇને સમીક્ષા કરી હતી. અહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઠીમાં જાહેર સભાને સંબોધન કરશે. બાદમા ભારત માતા સરોવરનુ લોકાર્પણ કરશે અને હેતની હવેલી ખાતે મુલાકાત લેનાર હોવાનુ જાણવા મળી રહ્યું છે.