ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સંગઠનમાં ધારીના દીતલા ગામના હિરેન હીરપરાને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ મહત્વની નિયુક્તિ બાદ પ્રથમ વખત અમરેલી આવી રહેલા હિરેન હીરપરાને વધાવવા માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીના નેતૃત્વમાં આજે બુધવારના રોજ બપોરના ૩ઃ૦૦ કલાકે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હિરેનભાઈ હીરપરા યુવા વયથી જ ભાજપ સંગઠનમાં સક્રિય રહ્યા છે. તેઓએ મંડલ યુવા ભાજપના પ્રમુખથી લઈને જિલ્લા યુવા મોરચાના પ્રમુખ, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી તેમજ અમરેલી જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ અને કિસાન મોરચાના મહામંત્રી તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવી છે. હવે ગીરના ગામડાના આ યુવાન ખેડૂત અગ્રણીને પ્રદેશ કક્ષાએ અગત્યની જવાબદારી મળતાં જિલ્લાભરનાં કાર્યકરોમાં ખુશીનો માહોલ છે.નિમણૂંક બાદ હિરેન હીરપરા પ્રથમવાર અમરેલી આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીનાં નેતૃત્વમાં વિશેષ આયોજન કરાયું છે. તેમનું અભિવાદન કરવા માટે જિલ્લા ભાજપનાં આગેવાનો, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, મંડલ પ્રમુખ-મહામંત્રી, હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ અને કાર્યકરોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અતુલ કાનાણી દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.