દિવાળી એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ. દિવાળી આપણને યાદ અપાવે છે કે ઘરની સફાઈ જેટલી જ મનની સફાઈ જરૂરી છે. કારણ કે ધૂળ ફક્ત દીવાલ પર જ નહિ, વિચારો પર પણ ચડે છે. ઘરની સાફસફાઈ કરીએ છીએ, તો મનની ધૂળ પણ સાફ કરવાની જરૂર છે. દિવાળી એટલે દીવાઓનો તહેવાર, પરંતુ દીવો ફક્ત મોમથી નહીં, મનથી પણ પ્રગટે છે. દીવો પ્રગટાવીએ ત્યારે એ ફક્ત ઘરનો અંધકાર દૂર કરતો નથી, એ તો આપણા અંતરનાં અંધકારને પણ ઉજાળે છે. જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે એ ફક્ત તેલ અને વાટનો દીવો નથી, એ તો આશા અને વિશ્વાસનો દીવો છે અને સૌથી મહત્વનું એ આપણા અંતરના અંધકારને હટાવવાનો દીવો છે. “જ્યાં દીવો હોય ત્યાં અંધકાર ટકી શકતો નથી, જ્યાં પ્રેમ હોય ત્યાં દ્વેષ ટકી શકતો નથી.” આ તહેવાર આપણને શીખવે છે કે જો જીવનમાં પ્રકાશ લાવવો હોય તો મનના ખૂણામાં રહેલ ઉદાસીનતા, અહંકાર અને ઈર્ષા રૂપી અંધકાર દૂર કરવા જરૂરી છે. પ્રકાશ એટલે આશા, વિશ્વાસ અને સકારાત્મકતા. આશા એટલે આવતી કાલ આજ કરતાં સારી હશે, વિશ્વાસ એટલે ભગવાન અને શ્રમ પર અડગ આસ્થા, અને સકારાત્મકતા એટલે દરેક સ્થિતિમાં પ્રકાશ શોધવાની દૃષ્ટિ. દિવાળી આપણને શીખવે છે કે “જીવનના દરેક અંધકારને હરાવવા માટે એક નાનો દીવો પૂરતો હોય છે, જો એ દીવો શ્રદ્ધા અને પ્રેમથી પ્રગટાવ્યો હોય.” જૂના મનદુઃખ, અહંકાર અને ઈર્ષ્યાના કણો દૂર કરીને સંબંધોને નવી ચમક આપીએ, એ જ સાચી દિવાળી. મીઠાઈ, ફટાકડાં અને શણગાર વચ્ચે થોડી ક્ષણો માટે વિચારીએ કે, અસલ આનંદ કઈ રીતે જન્મે છે? જ્યારે આપણે કોઈના ચહેરા પર સ્મિત લાવીએ, કોઈ જરૂરિયાતમંદને મદદનો હાથ આપીએ, ત્યારે દિવાળી ફક્ત ઘરમાં નહીં, પરંતુ હૃદયમાં ઉજવાય છે. દિવાળી પછી આવતું નૂતન વર્ષ એટલે નવી શરૂઆતનો શંખનાદ. જૂની ખોટો-ભૂલોના અધ્યાય બંધ કરીને, નવી આશાઓની કેડી પકડવાનો સમય.દિવાળી પછી નવી આશાઓ, નવા સંકલ્પો અને નવા સ્વપ્નો લઈને નૂતન વર્ષ શરૂ થાય છે. નવા વર્ષનો અર્થ ફક્ત તારીખ બદલાવ નહિ પણ, વિચાર બદલાવનો છે.
“સમય બદલાય છે, વર્ષ બદલાય છે, પણ જે બદલાતું નથી એ છે, માણસના સારા વિચારો અને શ્રદ્ધા.” નવા વર્ષે આપણે સૌએ એક સંકલ્પ કરવો જોઈએ અપમાન નહીં, પરંતુ આદર આપવાનો. દુઃખ નહીં, પરંતુ દિલાસો આપવાનો. ફરિયાદ નહીં, પરંતુ ફરજ નિભાવવાની ભાવના રાખવાનો. આવતું વર્ષ દરેકના જીવનમાં પ્રકાશ, પ્રગતિ અને પ્રેરણાનું વર્ષ બની રહે એ જ શુભેચ્છા. તમારું ઘર, તમારું હૃદય અને તમારું જીવન સુખના અજવાળે ઝળહળતું રહે. જૂના દિવસોને રડીને નહિ, પરંતુ નવા દિવસોને હસીને સ્વીકારો. “દીવા પ્રગટાવો ફક્ત દીવાલ પર નહીં, પણ વિશ્વાસના દીવા પ્રગટાવો હૃદયની દિવાલ પર.” દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ!
આવતું વર્ષ દરેકના જીવનમાં પ્રકાશ, પ્રગતિ અને પ્રેરણાનું વર્ષ બની રહે તથા તમારું ઘર ખુશીઓથી, મન શાંતિથી અને જીવન સમૃદ્ધિથી જળહળતું રહે એ જ દિવાળી અને નવા વર્ષની શુભકામના. પ્રકાશ, પ્રેમ અને પ્રેરણાથી ભરેલું જીવન મળે, એ જ ઈશ્વરચરણમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણા.

હું નવો સંકલ્પ લઉં છું નવા વર્ષમાં, એટલું ચાહું વિતે અન્યના ઉત્કર્ષ, પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા, આટલું ભરચક રહે અવિરત કેશ પર્સમાં,
એકસરખી દશા તો કાયમ નથી રહેવાની પણ, એકસરખું વલણ હોય હર્ષ કે તકલીફમાં,
ભલે ખૂટી જાય જે કંઈ છે એ બધું,
બસ એક હિંમત ખૂટે નહિ આકરા સંઘર્ષમાં,
કૈક તારું કૈક મારું પણ બધું એનું જ છે,
આ ભરોસો આ સમાજ કેળવું નિષ્કર્ષમાં.