સામાન્ય રીતે લોકો ચોખા સાથે મગની દાળ ભેળવીને ખીચડી બનાવે છે. પરંતુ મગની દાળને બદલે અન્ય અનેક પ્રકારની દાળો ચોખા સાથે ભેળવવામાં આવે છે. મગ, મસૂર, અડદ, ચણા, વટાણા, તુવેર વગેરે સર્વ પ્રકારની દાળની ખીચડી બનાવવામાં આવે છે. પરંતુ ચોખા બધામાં સામાન્ય છે. બે દાળ ભેગી કરવાથી ખીચડી બનતી નથી, ચોખા અને દાળને ભેગાં કરીને જ ખીચડી બનાવાય છે.
મગ, મઠ, અડદ વગેરેની દાળ અને ચોખા ભેગા કરીને આંધણમાં ઓરવામાં આવે છે તેમાં તુવેર, ચણા, વટાણા વગેરેને ચઢતા વાર લાગે છે તેથી તે પહેલાં ઓરવામાં આવે છે અને તે થોડા ચઢે પછી ચોખા ઓરવામાં આવે છે.
ખીચડી ત્રણ પ્રકારની બનાવવામાં આવે છે. ઢીલી, ઘટ્ટ અને દાણાદાર અથવા છુટ્ટી. જેવી બનાવવી હોય તેવા પ્રમાણમાં આંધણ મૂકવામાં આવે છે. વધારે પાણીથી ઢીલી ખીચડી બને છે. માપના પાણીથી ઢીલી ખીચડી બને છે. સામાન્યથી ઓછા પાણીથી છૂટ્ટી ખીચડી બને છે.
ખીચડી પ્રમાણમાં શુષ્ક હોય છે તેથી ખીચડીમાં વધુ ઘી ખાવાનું પ્રચલન છે. ઘી ઓછું ખવાય તો ખીચડી ખાઈને તરસ વધારે લાગે છે.
ખીચડી સાથે દહીં, પાપડ, ધી, આચાર ખાવાથી ખીચડી સ્વાદિષ્ટ લાગે છે.
સ્વાસ્થ્ય સારૂ હોય ત્યારે તથા માંદગી હોય ત્યારે પણ સાદી ખીચડી પોષણ આપે છે. ખીચડી સ્વાદિષ્ટ અને સુપાચ્ય બન્ને હોય છે. સાજા માણસો માટે મિક્સ વેજિટેબલ ખીચડી, તુવેરદાળની મસાલાવાળી ખીચડી લોકો વધુ બનાવતા હોય છે. ખીચડી સામાન્ય રીતે ચોખાની બનાવાય છે. પરંતુ તેની વિવિધતા અનુસાર દલિયાની એટલે કે ઘઉંના ફાડાની, બાજરીની, જુવારની, મકાઈની પણ ખીચડી બનાવાય છે. ઉપવાસમાં સાબુદાણાની, મોરૈયાની, સામાની ખીચડી બનાવાય છે. માંદા માણસો જેવા કે, વાત અને કફના રોગી માટે લવિંગના વધારવાળી, પિતના રોગીને ધાણાના વધારવાળી, મેદના રોગીને એલચી વાળી અને ભોજનમાં રૂચિ ન રહી હોય એવા રોગી માટે જીરાના વઘાર વાળી ઢીલી ખીચડી જમવામાં સારી રહે છે. આમ, ખીચડી એક પૌષ્ટિક આહાર છે.