સુરતમાં આજે પોલીસ આવાસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કાર્યક્રમમાં હાજરી આપીને પોલીસકર્મીઓના કામના કલાકો અને તેમના સ્વાસ્થ્યને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ વાત કરી હતી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પાટીલે પોલીસ વિભાગમાં ૮ કલાકની શિફ્ટ લાગુ કરવા માટે આયોજન કરવાની અપીલ કરી હતી.
સી.આર. પાટીલે પોલીસ આવાસના લોકાર્પણના કાર્યક્રમ દરમિયાન પોલીસ જવાનોની વ્યથાને વાચા આપતા જણાવ્યું હતું કે, પોલીસની નોકરીમાં કામના કલાકો નિશ્ચિત હોતા નથી, જેના કારણે જવાનો સતત માનસિક તણાવમાં રહે છે. તેમણે ઉમેર્યું હતું કે દરેક પોલીસકર્મીના મનમાં એવો ભાવ હોય છે કે તેઓ કામ વધારે કરે છે અને તેની સામે વળતર ઓછું મળે છે. સતત અને વધુ પડતા કામના ભારણને કારણે પોલીસ જવાનોના શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. મગજમાં સતત ટેન્શન રહેવાથી તેમની કાર્યક્ષમતા પર પણ અસર પડે છે. પોલીસકર્મીઓના જીવનમાં પણ થોડી શાંતિ અને પરિવાર માટે સમય હોવો જાઈએ, તે હેતુથી શિફ્ટમાં ફેરફાર જરૂરી છે.
મંચ પર ઉપસ્થિત ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીનો ઉલ્લેખ કરતા સીઆર પાટીલે જણાવ્યું હતું કે, “હર્ષ સંઘવી પાસે અત્યારે હોમ મિનિસ્ટ્રી (ગૃહ વિભાગ) છે. મારી વિનંતી છે કે પોલીસ જવાનો માટે ૮ કલાકની શિફ્ટનું પ્લાનિંગ કરવામાં આવે. જા કામના કલાકોમાં ઘટાડો થાય અને તે દિશામાં યોગ્ય વિચારણા કરવામાં આવે તો પોલીસ દળની માનસિક સ્થિતિમાં મોટો સુધારો આવી શકે છે.”
આ કાર્યક્રમ સુરતમાં નવનિર્મિત પોલીસ આવાસોના લોકાર્પણ માટે યોજાયો હતો. પોલીસ પરિવારને સારા મકાનોની સુવિધા મળવાની સાથે સાથે હવે જા કામના કલાકોમાં પણ રાહત મળે, તો પોલીસ સેવામાં મોટું પરિવર્તન આવી શકે છે તેવો સૂર પાટીલના નિવેદન પરથી જાવા મળ્યો હતો.










































