પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને મુશ્કેલ સમયમાં રોકેલા ભંડોળને મુક્ત કરવાની માંગ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે પંજાબ માટે મુશ્કેલ સમયમાં, કેન્દ્ર સરકારે પંજાબના ૬૦,૦૦૦ કરોડ રૂપિયાના બાકી ભંડોળને મુક્ત કરવું જાઈએ. ઉપરાંત, મુખ્યમંત્રીએ કેન્દ્ર પાસે એસડીઆરએફના નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરી જેથી પૂરને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે વળતરની રકમ વધારીને ૫૦ હજાર કરી શકાય.પંજાબ સરકારે કેન્દ્ર પાસેથી સંમતિ માંગતા કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ એકર ૫૦ હજારનું વળતર આપવા માંગે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ગંભીર પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યના ૧૦૦૦ ગામડાઓ અને લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા છે.મુખ્યમંત્રી ભગવંત માને વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું કે પંજાબ આ સમયે સૌથી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે પૂરથી ગુરદાસપુર, કપૂરથલા, અમૃતસર, પઠાણકોટ, ફિરોઝપુર, ફાઝિલ્કા અને હોશિયારપુર જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. લગભગ ૩ લાખ એકર ખેતીલાયક જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબના મોટાભાગના લોકો આ ભયંકર પૂરના કહેરનો સામનો કરી રહ્યા છે.પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને જણાવ્યું કે ખેડૂતોને તેમના પાકના નુકસાનને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછી  સબસિડી આપવામાં આવી રહી છે. ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે જ્યાં પાકનું નુકસાન ૩૩% કે તેથી વધુ હોય ત્યાં ઇનપુટ સબસિડી પ્રતિ એકર ૬,૮૦૦ રૂપિયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આટલું ઓછું પેમેન્ટ આપવું એ ખેડૂતોની મજાક ઉડાવવા જેવું હશે. તેમણે કહ્યું કે ખેડૂતોનો પાક લણણીના તબક્કામાં છે. તે મુજબ, મને લાગે છે કે ખેડૂતોને પ્રતિ એકર ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવા જાઈએ. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને વળતરના ધોરણોમાં સુધારો કરવા વિનંતી કરી.