અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઇ કાછડિયાએ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાન અંગે સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં અમરેલી જિલ્લામાં વિભિન્ન તાલુકાઓમાં ઠેક ઠેકાણે ઝડપી પવન સાથે કમોસમી વરસાદ પડેલ છે. જેના લીધે ખેડૂતોને ઘઉં, ચણા, ઘાણા, જીરૂ અને ડુંગળી સહીતના રવિ પાકોને વ્યાયક પ્રમાણમાં નુકસાન થયેલ છે તેમજ બાગાયતી પાક કેરીને પણ નુકસાન પહોંચેલ છે. આથી ખેડૂતોને થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચના કરવા અને ગુજરાત સરકાર તરફથી સત્વરે સહાય પેકેજ જાહેર થાય તે જરૂરી છે. આ અંગેની રજૂઆત હર્ષભાઈ સંઘવી, નાયબ મુખ્યમંત્રી, જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી, રમેશભાઈ કટારા કૃષિ મંત્રી (રા.ક.), જિલ્લા કલેકટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ કરી છે.









































