પૂર્વી કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં એક મોટી અને હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. અહીં રૂબાયા કોલ્ટન (કોલમ્બાઇટ-ટેન્ટાલાઇટ) ખાણકામ ક્ષેત્રમાં ભૂસ્ખલન થવાથી અનેક ખાણો ધસી પડી, જેમાં ઓછામાં ઓછા ૨૦૦ લોકો માર્યા ગયા. મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.
એમ૨૩ બળવાખોર જૂથ દ્વારા નિયુક્ત ગવર્નરના પ્રવક્તા લુમુમ્બા કામ્બેરે મુયિસાએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી. “હાલમાં, ૨૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી કેટલાક હજુ પણ કાદવમાં ફસાયેલા છે અને તેમને બચાવી શકાયા નથી,” મુયિસાએ જણાવ્યું હતું. પીડિતોમાં ખાણિયાઓ, બાળકો અને બજારમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. કેટલાકને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ગંભીર રીતે ઘાયલ છે.
લગભગ ૨૦ ઘાયલોને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી રહી છે અને એમ્બ્યુલન્સ દ્વારા નજીકના શહેર ગોમા લઈ જવામાં આવશે. નામ ન આપવાની શરતે રાજ્યપાલના એક સલાહકારે મૃત્યુઆંક ઓછામાં ઓછો ૨૨૭ હોવાનું જણાવ્યું હતું. એ નોંધવું જાઈએ કે રૂબાયા ખાણો એમ૨૩ બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે, જેમણે એપ્રિલ ૨૦૨૪ થી આ વિસ્તાર પર કબજા જમાવ્યો છે. આ પ્રદેશ વિશ્વના લગભગ ૧૫% કોલ્ટનનું ઉત્પાદન કરે છે, જે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય અદ્યતન ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા ટેન્ટેલમ માટે મહત્વપૂર્ણ છે. આ ખાણો નાના પાયે છે, જેમાં કામદારો હાથથી ખાણકામ કરે છે અને દરરોજ થોડા ડોલર કમાય છે.
એમ ૨૩ દ્વારા નિયુક્ત ગવર્નરે સ્થળ પર નાના પાયે ખાણકામ અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે અને ખાણની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો છે. પૂર્વીય કોંગો દાયકાઓથી હિંસાથી પીડાય છે, સરકારી દળો, રવાન્ડા સમર્થિત સ્૨૩ અને અન્ય સશસ્ત્ર જૂથો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ પ્રદેશ ખનિજ સમૃદ્ધ છે, પરંતુ સુરક્ષાનો અભાવ અને વરસાદની ઋતુ દરમિયાન ભૂસ્ખલન જેવી આફતો સામાન્ય છે. આ દુર્ઘટના માનવતાવાદી કટોકટીને વધુ ગહન બનાવે છે, જ્યાં ખાણિયાઓની સલામતીની અવગણના કરવામાં આવે છે.










































