પાકિસ્તાની ક્રિકેટ ટીમ ઓગસ્ટ મહિનામાં ત્રણ વનડે અને ત્રણ ટી ૨૦ મેચની શ્રેણી રમવા માટે વેસ્ટ ઈન્ડિજના પ્રવાસે જવાની છે. હવે આ પ્રવાસ અંગે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિજ ક્રિકેટ બોર્ડ પાસેથી માંગ કરી હતી કે તે ફક્ત ટી ૨૦ શ્રેણી જ રમશે અને તે શ્રેણીની મેચોની સંખ્યા વધારવી જાઈએ.પીસીબીએ આવતા વર્ષે યોજાનાર ટી ૨૦ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને આ માંગણી કરી હતી. આ કારણોસર, તેઓ વનડે  રમવાનું ટાળી રહ્યા હતા. હવે વેસ્ટ ઈન્ડિજ બોર્ડે તેમની માંગણીને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

પીસીબી સૂત્રોએ જણાવ્યું હતું કે વેસ્ટ ઈન્ડિજ બોર્ડના અધિકારીઓએ સિંગાપોરમાં આઇસીસી મીટિંગ દરમિયાન પીસીબીના ચીફ એકજક્ટિવ ઓફિસર સુમૈર અહેમદને કહ્યું હતું કે તેઓ વનડે શ્રેણીને ટી ૨૦ મેચોથી બદલશે નહીં. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિજ બોર્ડને ત્રણ વનડે રદ કરવા અને ટી ૨૦ શ્રેણીની મેચોને પાંચ કે છ સુધી લંબાવવા વિનંતી કરી હતી. વેસ્ટ ઈન્ડિજ બોર્ડના અધિકારીઓએ સિંગાપોરમાં પીસીબીને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે શ્રેણીના સમયપત્રક અથવા ફોર્મેટમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે તે પીસીબી પર નિર્ભર છે કે તેઓ પ્રવાસ કરવા માંગે છે કે નહીં.

પીસીબી સૂત્રોએ જણાવ્યું હતું કે વેસ્ટ ઈન્ડિજ બોર્ડના અધિકારીઓ તેમના મુદ્દા પર અડગ હતા. તેઓએ ફ્લોરિડામાં ટી ૨૦ મેચો અને ત્રિનિદાદમાં વનડે મેચોની ટિકિટો વેચવાનું શરૂ કરી દીધું છે. સૂત્રએ જણાવ્યું હતું કે હવે પીસીબી પર આગળનું પગલું ભરવાનું છે કારણ કે તેણે હજુ સુધી વેસ્ટ ઈન્ડિજ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી નથી.

ટી૨૦ શ્રેણીની મેચો અમેરિકાના ફ્લોરિડાના લોડરહિલમાં રમાશે. જે ૧, ૩ અને ૪ ઓગસ્ટના રોજ યોજાવાની છે. તે જ સમયે,વનડે શ્રેણીની ત્રણ મેચો ત્રિનિદાદના તારોબામાં યોજાશે, જે ૮, ૧૦ અને ૧૨ ઓગસ્ટના રોજ રમાશે.