વડાપ્રધાન મોદીએ દિવાળી નિમિત્તે નાગરિકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અપીલ કરી છે. તેમણે નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર ભારતીય વસ્તુઓ ખરીદવા અપીલ કરી છે, કહ્યું કે તેઓએ તેમની ખરીદીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવા જાઈએ. આમ કરવાથી, તેઓ અન્ય લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે પ્રેરણા આપશે. પીએમ મોદી લાંબા સમયથી લોકોને ભારતીય વસ્તુઓ ખરીદવા માટે વિનંતી કરી રહ્યા છે. તેમણે વડા પ્રધાન તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલનો મંત્ર આપ્યો હતો.પીએમ મોદીએ તેમની પાછલી પોસ્ટમાં લખ્યું હતું કે, “આ તહેવારોની મોસમમાં, ચાલો ૧.૪ અબજ ભારતીયોની મહેનત, સર્જનાત્મકતા અને નવીનતાની ઉજવણી કરીએ. આવો, ભારતીય ઉત્પાદનો ખરીદો અને ગર્વથી કહો, ‘આ સ્વદેશી છે!’ તમે જે ખરીદ્યું છે તે સોશિયલ મીડિયા પર શેર કરો. આ રીતે, તમે અન્ય લોકોને પણ આવું કરવા માટે પ્રેરણા આપશો.”પીએમ મોદીએ માય ગવર્નમેન્ટ ઇન્ડિયા તરફથી એક પોસ્ટ શેર કરી, જેમાં લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે વિનંતી કરવામાં આવી છે. આ એકાઉન્ટ નાગરિકોને સરકાર સાથે જાડે છે અને સરકારી નીતિઓને જનતા સુધી વધુ સારી રીતે પહોંચાડે છે. માય ગવર્નમેન્ટ ઇન્ડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, “આપણે બધા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ! આ દિવાળીએ, ચાલો ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદવા અને આપણા સ્થાનિક કારીગરોને ટેકો આપવાનો સંકલ્પ કરીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને વોકલ ફોર લોકલ બનવા માટે પ્રેરણા આપી રહ્યા છે. તમારી સ્વદેશી ખરીદી અથવા તેના ઉત્પાદક સાથે તમારી સેલ્ફી શેર કરો.”રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દિવાળીની પૂર્વસંધ્યાએ જયપુરમાં સ્થાનિક દુકાનદારો અને શેરી વિક્રેતાઓ સાથે ખરીદી કરીને “વોકલ ફોર લોકલ” અભિયાનને વેગ આપ્યો. રવિવારે શર્માએ તેમના પરિવાર સાથે માનસરોવરના એક બજારની મુલાકાત લીધી હતી અને માટીના દીવા, પૂજા સામગ્રી, રંગોળીના રંગો, સુશોભનની વસ્તુઓ અને ફળો જેવી પરંપરાગત વસ્તુઓ ખરીદી હતી. મુલાકાત દરમિયાન, શર્માએ વિક્રેતાઓ સાથે વાતચીત કરી હતી અને યુપીઆઇ દ્વારા ચુકવણી કરી હતી. સ્થાનિક વેપાર સંગઠનો અને જનતાના સભ્યોએ મુખ્યમંત્રીનું સ્વાગત અને શુભેચ્છા પાઠવી હતી. રાજ્યના લોકોને દિવાળીની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રીએ નોંધ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જીએસટી દરોમાં ઘટાડાથી દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થઈ છે.









































