અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(પીએમજેએવાય) હેઠળ સારવાર કરનાર રાજ્યભરની હોસ્પિટલોમાં સરકારે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. જે બાદ સરકારે નિયમોનું પાલન ન થતી હોય તેવી કેટલીક હોસ્પિટલો સામે કડક કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ અંતર્ગત ગત એપ્રિલથી જૂન ૨૦૨૫ દરમિયાન રાજ્યભરની વધુ ૨૧ હોસ્પિટલો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.

સરકારે આપેલી માહિતી મુજબ, એપ્રિલથી જૂન ૨૦૨૫ની કામગીરી દરમિયાન રાજકોટની ક્રાઈસ્ટ અને ગોકુલ હોસ્પિટલ સહિત સુરત, અમદાવાદ, પાટણ, છોટાઉદેપુર, તાપી અને ગાંધીનગર સહિતના જિલ્લાની વિવિધ હોસ્પિટલોને તાત્કાલિક અસરથી યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. કારણ કે, રાજ્ય સરકાર દ્વારા કરાયેલા મોનીટરિંગમાં અનેક પ્રકારની ગેરનીતી, વસ્તુઓનો અભાવ અને બેદરકારીઓ બહાર આવી છે.

પીએમજેએવાય યોજના હેઠળ રજિસ્ટર્ડ અને હાલમાં સસ્પેન્ડ કરાયેલી આ હોસ્પિટલોએ તેમના સંકુલમાં સારવાર થતી બીમારીઓની વિગત દર્શાવતુ બોર્ડ લગાવવુ ફરજિયાત છે. સાથે જ, કલીનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ હેઠળ તમામ ન‹સગ હોમ અને હોસ્પિટલોનાં રજિસ્ટ્રેશન હોવું પણ જરૂરી છે. પરંતુ હકીકતમાં ઘણી હોસ્પિટલો આ પાયાની ફરજિયાત શરતોનું પાલન કરતી નહતી.

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા મોનીટરિંગમાં એ પણ બહાર આવ્યું છે કે, અનેક હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટરમાં અસ્વચ્છતા જોવા મળી હતી, સાથે જ ફાયર એનઓસી ન હતું. આ ઉપરાંત ડાયાલિસિસ, પીડિયાટ્રિક આઇસીયુ જેવી સેવાઓમાં માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું જણાઈ આવ્યું હતું, તો કેટલીક હોસ્પિટલોમાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા અને બીયુ  પરમિશનનો પણ અભાવ બહાર આવ્યો હતો.

ખાસ તપાસ કરતા એ પણ જાણવા મળ્યું કે, અમુક હોસ્પિટલમાં તો બીજી હોસ્પિટલના દર્દી દાખલ કરાયા હતા. સાથે જ લેબ રિપોર્ટમાં પણ ચેડાં કરીને ગેરકાયદેસર ક્લેઈમ કરાયાની માહિતી પણ બહાર આવી હતી. અમુક હોસ્પિટલમાં ઊંચા પેકેજની પસંદગી અને બાળકોના મોતનો ઉંચો દર નોંધાયો હોવાથી તેમની સામે કાર્યવાહી કરી આરોગ્ય વિભાગે આવી હોસ્પિટલોને ૧થી ૩ વર્ષ માટે પીએમજેએવાય યોજનામાંથી બહાર કર્યું છે.

સસ્પેન્ડ થયેલી મુખ્ય હોસ્પિટલો રાજકોટઃ ક્રાઈસ્ટ હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ,સુરતઃ કે.પી. સંઘવી હોસ્પિટલ,પાટણઃ આસ્થા હોસ્પિટલ,છોટાઉદેપુરઃ દેવ હોસ્પિટલ,અમદાવાદઃ શાલિગ્રામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, અમદાવાદ ઈન્સ્ટિટ્યુંટ ઓફ મેડિકલ સર્વિસીસ,ગાંધીનગરઃ રોટરી મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર,તાપીઃ સિદ્ધિ વિનાયક હોસ્પિટલ,

નોંધનિય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાના દુરુપયોગ અને ગેરકાયદેસર ક્લેમ્સના કિસ્સા સામે આવ્યા બાદ તંત્રએ મોનિટરિંગ અને દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવી છે અને અનેક હોસ્પિટલો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. આવી જ રીતે તાજેતરમાં વધુ ૨૧ જેટલી રાજ્યભરની હોસ્પિટલો સામે પણ સસ્પેન્સની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે આ સસ્પેન્ડેડ હોસ્પિટલોને જો પીએમજેએવાય યોજનામાં પુનઃ સામેલ થવું હોય તો યોગ્ય ક્વેરીનો જવાબ આપી તમામ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.